• રવિવાર, 01 જૂન, 2025

દેશલપર (ગુંતલી)માં નદી સ્થળે પ્રિ-મોન્સૂન કામગીરી કરવા માંગ

નખત્રાણા, તા. 22 : દેશલપર (ગુંતલી) ગામની પાદરમાં ચોમાસામાં વરસાદી પાણી તેમજ ગટરનાં પાણીની સમસ્યાથી ત્રસ્ત ગામલોકો દ્વારા નદીની પ્રિ-મોન્સૂન કામગીરી સત્વરે કરવા માંગ કરાઈ હતી. ગામથી મરૂ જતા માર્ગને જોડતા પુલ નીચે આવેલા નદીપટ્ટમાં ગાંડા બાવળની ઝાડી-કાંપ-રેતીની આડશથી ચોમાસામાં વરસાદી પાણીની રુકાવટથી ગામમાં પાણી પ્રવેશતાં લોકોને મુશ્કેલીરૂપ બને તે પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરી કરવા બાબતે પૂર્વ સરપંચ નૂરબાઈ કુંભારે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામ સભામાં રજૂઆત કરી હતી. ઉપરાંત ગટરલાઈનનું પાણી પણ નદીમાં છોડાતું હોવાથી દુર્ગંધવાળાં દૂષિત પાણીથી ગામલોકો ત્રસ્ત બન્યા છે. આ બન્ને સમસ્યા અંગે રજૂઆત કરાઈ હતી. આ સંદર્ભે ગ્રામ પંચાયત, સરપંચ તથા કારોબારી સભ્યો દ્વારા તપાસ હાથ ધરી સફાઈકામ કરાવવા તેમજ ગટરનાં પાણીની લાઈનો દૂર લઈ જવા સૂચન કરાયું હતું, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હોવાની ફરિયાદ માજી સરપંચ નૂરબાઈ કુંભાર દ્વારા કરાઈ હતી. જાગૃત નાગરિક જગદીશભાઈ દવેના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં નદીના પૂરનાં પાણી ગામમાં પ્રવેશતાં નુકસાની કરી હોવાનું જણાવ્યું હતું, જેથી આવી કોઈ સમસ્યા ઉદ્ભવે તે પૂર્વે નદી-નાળાંની સફાઇ કામગીરી કરવા તેમજ ગટર લાઈનમાં વધુ લાઈન જોડી દૂષિત પાણી દૂર ઠલવાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઈ હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd