ભુજ, તા. 31 : શહેરના વેપારીઓની પ્રતિષ્ઠિત સહકારી બેન્ક
ભુજ કોમર્શિયલ બેન્કની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયાસ બદલ ત્રણ આઇડીધારક
વિરુદ્ધ આઇટી એક્ટ તળે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે બેન્કના
મેનેજર ધીરેન શંભુલાલ મજેઠિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અમારી સહકારી બેન્કની ચૂંટણી
પાંચ વર્ષના સમયગાળા માટે યોજાતી હોય છે. 2022ના 13 ડાયરેક્ટર
ચૂંટાયેલા હતા, તેમાંના હિતેશ ચત્રભુજ ઠક્કર અને
કલ્પેશ રવિલાલ ઠક્કર હતા. ગત તા. 7/2/25ના બેન્કને એક પત્ર મળ્યો હતો. બેન્કના સભાસદ દિનેશ મણિલાલ ઠક્કરનાં નામથી
મળેલો આ પત્ર આઠ વર્ષ જૂના ડાયરેક્ટરનાં રાજીનામા બાબતના વિષયનો હતો, જેમાં ડાયરેક્ટર હિતેશ અને કલ્પેશનાં રાજીનામા લેવા માટે
જણાવ્યું હતું. આ બાદ તા. 17/2, તા. 21/2, તા. 24/2, તા. 25/2 તથા 27/2ના પણ દિનેશનાં નામની આઇ.ડી. પરથી અમદાવાદના ડિપાર્ટમેન્ટ ઓફ સુપરવિઝનની
આઇડી તેમજ આરબીઆઇના પત્ર ક્રમાંકના ઉલ્લેખના હવાલા આપી રાજીનામા લેવા જણાવતાં મેઇલ
કરવામાં આવ્યા હતા. આ બાબતે સભાસદ દિનેશ ઠક્કરને પૂછતાં તેઓએ બેન્કને લેખિતમાં
જણાવ્યું હતું કે, ઉપરોક્ત પત્ર તેઓએ લખ્યા
નથી તેમજ મેઇલ પણ કર્યા નથી. આ બાદ તા. 14/3ના અનિલ શાહ નામની આઇડી પરથી બેન્કના ડાયરેક્ટર ચેતન રવિલાલ શાહનાં નામનો
પત્ર એટેચ કરી રાજીનામા બાબતેનો મેઇલ મળ્યો હતો. આ બાબતે ચેતનભાઇએ પણ આવો કોઇ મેઇલ
ન કર્યાનો અને ખોટી મેઇલ આઇડી બનાવ્યાનું લેખિતમાં જણાવ્યું હતું. આમ, બેન્કની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ખોટી આઇડી બનાવી તેમજ
આરબીઆઇ અમદાવાદ ડિપાર્ટમેન્ટ ઓફ સુપરવિઝનની આઇડી પર બેન્ક જાણ બહાર ઇ-મેઇલ
કર્યાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે આઇટી એક્ટ તળે ગુનો દાખલ કરી તપાસ સાયબર
સેલ (પશ્ચિમ કચ્છ)ના પી.એસ.આઇ. એચ. જી. દેવમણિને સોંપાઇ છે. આ ચકચારી બનાવ અંગે
તપાસકર્તા શ્રી દેવમણિનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે પગેરું દબાવાયું છે. આગામી સમયમાં આરોપી સુધી
પહોંચવાની આશા તેમણે દર્શાવી હતી.