ગાંધીધામ, તા. 31 : અંજાર તાલુકાના માથકમાં સાવકા પિતાએ કુમળી વયના 6 વર્ષિય બાળક રાહુલને પાણીના ખાડામાં ડુબાડી દઈ હત્યા
નિપજાવી હોવાનો બનાવ પ્રકાશમા આવતા ભારે અરેરાટી પ્રસરી છે. ગૃહકંકાસમાં બાળકનો ભોગ લેવાયો હતો. શરૂઆતમાં બાળક ગુમ થયું
હોવાનુ ંનાટક કર્યા બાદ સીસી ટીવી કેમેરામાં હત્યાના બનાવનો પર્દાફાસ થયો હતો. પોલીસે
હત્યારા શખ્સની ધરપકડ કરી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે
ફરીયાદી પુજાબેન ખેતસિંગ આહીરવાલે આરોપી પતિ ખેતસિંગ દેવીસિંગ આહીરવાલ સામે આદિપુર
પોલીસ મથકે હત્યા સહીતની કલમો તળે ફરીયાદ નોંધાવી
છે. આરોપી સાવકા પિતાએ અંજાર તાલુકાના માથકમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ બેગ પેકેજીંગ કંપની
પાસે આવેલા પાણીના ખાડામાં હતભાગી બાળકને ડુબાડી દઈને હત્યા નિપજાવી હતી. હત્યાના બનાવને ગત તા. 30ના સવારે 8 વાગ્યાના
અરસામાં અંજામ અપાયો હતો. ફરીયાદી મહિલાએ આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેણીને ત્રણ
સંતાન હતા 18 અને 16 વર્ષની વયના બે દિકરા અલગ રહે છે જયારે હતભાગી રાહુલ નાનો હોવાથી તેને સાથે લાવી
હતી. આરોપી પતિએ પખવાડીયા પુર્વે પત્નિ સાથે ઝઘડો કર્યો હતો કે રાહુલને સાથે કેમ લાવી
છો તેને તેના દાદા દાદી પાસે મુકી આવ મને નથી ગમતો હું તેને મારી નાંખીશ તેવું કહ્યું હોવાનું ફરીયાદમાં જણાવાયું હતું. આરોપી અને ફરીયાદી
બન્ને એક જ કંપનીમાં મજુરી કામ કરે છે. અને કંપનીની કોલોનીમાં રહે છે. ગઈકાલે સવારે
તબીયત બરોબર ન હોવાનું કહી ઘરે જ રહ્યો હતો. સાંજે ફરીયાદી ઘરે આવી ત્યારે આરોપીએ શરૂઆતમાં
રાહુલ મળતો નથી તેવું નાટક કર્યું હતુ. થોડો સમય સુધી શોધખોળ પણ કરી હતી. પરંતુ કંપનીના
સીસી કેમેરામાં સવારે આરોપી અને રાહુલ સાથે જતા જોવા મળ્યા હતા પરંતુ પરત આવતી વખતે
આરોપી એકલો જણાયો હતો. પુછપરછમાં શરૂઆતમાં તો કાંઈ કહેવાનું ટાળ્યું હતું પરંતુ પછી કંપનીની બાજુમાં આવેલા ખાડામાં ડુબાડી
દીધો હોવાનું કહ્યું હતું. તપાસ કરતા હતભાગી બાળક મૃત મળી આવ્યો હતો. પોલીસે આરોપીને
ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.