ભુજ, તા. 20 : અહીંના હોસ્પિટલ રોડ વિસ્તારમાં પીવાનાં પાણીમાં ગટરનું પાણી ભળવાની સમસ્યા ઉકેલાવાનું
નામ ન લેતાં અનેક હોસ્પિટલ ધરાવતો આ વિસ્તાર ખુદ બીમારીમાં પટકાય તેવી ભીતિ સર્જાઈ
છે. ઘણા લાંબા સમયથી આ સમસ્યાએ ભુજના પોશ વિસ્તાર ગણાતા હોસ્પિટલ રોડને ભરડામાં લીધો
છે. વારંવાર નગરપાલિકા દ્વારા સમારકામ કરાયું હોવા છતાં આ પ્રશ્ન હલ થવાનું નામ લેતો
નથી. રહેવાસીઓ ઉપરાંત સમગ્ર કચ્છમાંથી આવતા દર્દીઓ પણ આ સમસ્યાથી ત્રસ્ત બન્યા છે.
બીમારીને કારણે હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ દૂષિત પાણીને કારણે વધુ બીમાર પડયા છે, તો અનેક રહેવાસીઓનું પણ સ્વાસ્થ્ય બગડયું હોવાની
ફરીયાદ ઊઠી છે. અગાઉ બેથી ત્રણ વાર ભુજ ઈંગ્લિશ સ્કૂલના સર્કલ નજીક નગરપાલિકા દ્વારા
કરાયેલા સમારકારને પગલે અઠવાડિયાઓ સુધી પાણીથી વંચિત રહેલા આ વિસ્તારના લોકોએ ભોગવેલી
હાલાકી બાદ પણ સમસ્યા યથાવત્ રહેતાં સુધરાઈ દ્વારા કરાયેલી કામગીરીઓ અંગે પ્રશ્નો ઊભા
થયા હતા. ગટરનું પાણી ભળવાની સમસ્યાથી પીડિત હોસ્પિટલ રોડ વિસ્તારના રહેવાસીઓ દ્વારા
સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.