ગાંધીધામ, તા. 20 : આદિપુર ની સરકારી રામબાગ હોસ્પિટલ
ની જૂની બિલ્ડીંગમાં 80 લાખ થી વધુ
રૂપિયા ખર્ચીને મરામત કર્યા પછી પણ છત ઉપરની પાણીની ટાંકી છલકાઈ છે.ત્યારે છતમાંથી
નીચે પાણી ટપકવાનું શરૂ થાય છે. અને ઇમારત ની દીવાલોમાં પાણી નીચે ઉતરી રહ્યું છે.છત
ઉપર યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા નો અભાવ સામે આવી રહ્યો છે તો મરામતની કામગીરી ઉપર
પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હોસ્પિટલની જૂની બિલ્ડિગમાં પાણી પડવાની ઘણી સમસ્યા હતી
જેના કારણે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી ત્યાર પછી લગભગ 80 લાખથી વધુના ખર્ચે છતની મરામત
કરવામાં આવી હતી. તેમ છતાં છત ઉપર રહેલી પાણીની ટાંકીઓ છલકાઈ જાય ત્યારે પાણી છતમાંથી
નીચે ટપકી રહ્યું છે. સામાન્ય રીતે આ સ્થિતિ છે.તો આગામી ચોમાસામાં જ્યારે ભારે વરસાદ
હોય ત્યારે સ્થિતિ ખરાબ થવાની વકી છે. જોકે મોટાભાગના વિભાગો લેબોરેટરી નવી બિલ્ડિગમાં
સ્થળાંતરિત કરવામાં આવ્યા છે પરંતુ જૂની બિલ્ડિગમાં હજુ પણ ઘણી સેવાઓ કાર્યરત છે બિલ્ડીંગ
જર્જરીત અવસ્થામાં છે. છતમાંથી પાણી પડવાની વ્યાપક સમસ્યાને લઈને છતની મરામત કરવામાં
આવી હતી.તેમ છતાં છતમાંથી પાણી પડી રહ્યું છે. આ અંગે રામબાગ હોસ્પિટલના અધિક્ષક નો
ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક સાથી શકાયો નથી. પરંતુ
હોસ્પિટલ પ્રશાસને આ સ્થિતિ થી બાંધકામ વિભાગને અવગત કરાવો જરૂરી છે. તત્કાલીન સમયે
બાંધકામ વિભાગ મારફતે છતની મરામત થઈ હતી. હાલના સમયે અનેક જગ્યાઓ ઉપર છતમાંથી પાણી
ટપકી રહ્યું છે.આગામી ચોમાસા પહેલા પગલાં ભરવા જરૂરી છે.