ભુજ, તા. 12 : મહત્તમ તાપમાનમાં સમાન્ય ઘટાડો
છતાં લૂ ઓકતા ઊની વાયરા સાથે કચ્છમાં આકરા તાપની આણ યથાવત્ રહી છે. હવામાન વિભોગે હજુ
બે દિવસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરી મહત્તમ પારો 40થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરી છે. કચ્છ સહિત રાજ્યના ચાર જિલ્લા
માટે વોર્મનાઈટની ચેતવણી યથાવત્ રાખી છે. એટલે કે,
રાત્રે પણ ઊકળાટમાંથી રાહત મળવાની સંભાવના નહીંવત્ છે. ગઈકાલે 42.4 ડિગ્રીના વિક્રમી તાપથી અગનભઠ્ઠીમાં
શેકાયેલાં ભુજમાં પારો બે ડિગ્રી નીચે ઊતરીને 40.2 ડિગ્રીએ પહોંચવા છતાં આકરા તાપમાંથી નામ માત્રની રાહત મળી નહોતી.
લૂ ઓકતો પવન ફૂંકાતાં જનજીવન લાલચોળ બનેલું જોવા મળ્યું હતું. જિલ્લા મથક માટે જારી
કરાયેલા પાંચ દિવસના વર્તારામાં શુક્રવારથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે ઊતરવાની સંભાવના
દેખાડાઈ છે. કંડલા (એ.)માં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતાં
અંજાર-ગાંધીધામ વિસ્તાર કચ્છમાં સૌથી વધુ તપ્યા હતા. નલિયા અને કંડલા પોર્ટમાં પારો
ગગડીને 39 ડિગ્રીએ પહોંચતા મામૂલી રાહત
મળી હતી. રાત્રે પણ ઊકળાટનો માહોલ જારી રહેશે, તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે ભુજમાં 24.2, કંડલા પોર્ટમાં 24 અને કંડલા (એ.)માં 22 ડિગ્રી જેટલું ઊંચું લઘુત્તમ
તાપમાન નોંધાયું હતું. કચ્છના બે સહિત રાજ્યના
11 શહેરમાં 40 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું
હતું. ભેજનું પ્રમાણ સાવ તળિયે જવા સાથે પવનની ગતિ મંદ રહેતાં તાપની દાહકતા વધુ પ્રમાણમાં
અનુભવાઈ હતી. ગરમીની તીવ્રતામાં વધારો થતાં
પેટને લગતા રોગોની ફરિયાદ વધવા સાથે લૂ લાગવાના કેસોમાં ધીરે-ધીરે વૃદ્ધિ થતી દેખાઈ
રહી છે.