ભુજ, તા. 5 : સ્થૂળતા માટે કોઈ જવાબદાર હોય તો તે બિન આરોગ્યપ્રદ ખોરાક અને બેઠાડુ જીવનશૈલી
છે. નિર્ધારિત માત્રા કરતાં વધુ વજન અને શરીરમાં બિનજરૂરી ચરબી વધવાને કારણે સ્થૂળતા
સર્જાય છે. અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના જુદા-જુદા વિભાગના તબીબો અને
ડાયટીશિયને કહ્યું કે, સ્થૂળતા શરીરમાં
અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. જેમાં હૃદય રોગ, હાયપર ટેન્શન, કિડનીના રોગ, પ્રેગ્નેન્સી
રહેવામાં મુશ્કેલી, શારીરિક સંબંધમાં તકલીફ, ડાયાબિટીસ તેમજ પાચનતંત્ર પણ વિક્ષેપિત થતું જોવા મળે છે. સ્થૂળતાનું મુખ્ય
કારણ બિન આરોગ્યપ્રદ ખોરાક છે. ખાસ તો પ્રોસાસિંગ
ફૂડ જેમાં શક્તિ તો વધુ મળે છે, પણ પોષક તત્ત્વો નહિવત
હોય છે. બેઠાડુ જીવનશૈલી પણ મેદસ્વિતા માટે કારણભૂત છે. ઝડપથી વધતી સુવિધાને કારણે
શારીરિક પ્રવૃત્તિ દિન-પ્રતિદિન ઓછી થવા લાગી છે. વળી સતત વ્યસ્તતા અને હરીફાઈના યુગમાં
કસરત જેવી શારીરિક સક્રિયતાઓ પણ ઘટવા લાગી છે, આ પણ એક સ્થૂળતાનું
પરિબળ છે. આટલું ઓછું હોય તેમ લોકોના ખાવા-પીવાના સમયપત્રકમાં પણ થયેલા આમૂલ પરિવર્તનની
પણ મેદસ્વિતામાં એટલી જ ભૂમિકા રહેલી છે. રાત્રે મોડેકથી ભોજન અને તે પણ ટી.વી. જોતાં-જોતાં
ઉપરાંત બીજી પ્રવૃત્તિમાં પણ વ્યસ્ત બની જવાના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે.
આ ઉપરાંત સ્થૂળતા વારસાગત પણ હોય છે.