• બુધવાર, 16 જુલાઈ, 2025

સાચી શક્તિ અને ભક્તિ એક મોટું સ્નેહસૂત્ર

ભુજ, તા. 22 : મહાશ્રમણજી શનિવારે તેમની ધવલ સેના સાથે કોડાય સ્થિત બૌંતેર જિનાલયથી પ્રસ્થાન કર્યું હતું. આચાર્યશ્રી માંડવીનગરે પહોંચતાં શ્રદ્ધાળુઓએ રેલી દ્વારા તેમનું સ્વાગત કર્યું હતુ. `બેટી તેરાપંથની' આયામની બહેનોએ પણ આચાર્યશ્રીનું અભિનંદન કર્યું હતુ. જૈનપુરીમાં આયોજિત પ્રવચનમાં સંબોધતાં  મહાશ્રમણજીએ જણાવ્યું કે, એક શ્લોકમાં ચોવીસ તીર્થંકરોને નમન કરવામાં આવે છે. નમનમાં ભક્તિ છુપાયેલી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિમાં ભક્તિ અને સમર્પણ હોય ત્યારે તે કોઈપણ મુશ્કેલ કાર્ય કરવા માટે સજ્જ થઈ જાય છે. માણસે પોતાના આરાધ્ય પ્રત્યે ભક્તિ રાખવી જોઈએ અને પોતાના સિદ્ધાંતો પ્રત્યે પણ સમર્પણ ભાવ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. સાચી શક્તિ અને ભક્તિ એક મોટું સ્નેહસૂત્ર છે. આચાર્યશ્રીએ આઠ કોટિ સંપ્રદાયના સાધ્વીશ્રીઓ માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે સાધ્વી પ્રમુખાશ્રીજીએ પણ જનતાને ઉદ્દેશી આદર્શ જીવનની પ્રેરણા આપી હતી. બૌંતેર જિનાલય મધ્યે આચાર્ય મહાશ્રમણજીનાં સાંનિધ્યમાં અધ્યાત્મની બે પરંપરાઓનું આધ્યાત્મિક મિલન થયું હતુ. તેરાપંથના   અગિયારમા આચાર્યશ્રી મહાશ્રમણજી તથા અચલગચ્છ કે કલાપ્રભસાગર સૂરિશ્વરજી કે શિષ્ય મલયસાગરજી મહારાજ તથા રત્નાકરસાગરજી મહારાજ તથા મુક્તિરત્નસાગરજી મહારાજનું મિલન થયું હતુ. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ આચાર્યશ્રીના સ્વાગત પર ભાવભીની અભિવ્યક્તિ આપી હતી. મામલતદાર શ્રી ગોકલાણી, સ્થાનિક સંઘ પ્રમુખ રાજુભાઈ દોશી અને તેરાપંથ મહિલા મંડળે પણ ગુરુદેવનું  સ્વાગત કર્યું હતું. માંડવી સમસ્ત જૈન સમાજના પ્રમુખ મેહુલ શાહ તેમજ દરેક સંઘોના પ્રમુખ તથા સમસ્ત શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા પ્રવેશની અનુશાસિત રેલી સ્વરૂપે જૈનપુરી  પહોંચી હતી. આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ-સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ્, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. તેવું  પ્રિન્ટ મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 

Panchang

dd