• શનિવાર, 27 જુલાઈ, 2024

લલિતકલા અકાદમીએ માંડવી બીચ ખાતે યોજ્યો રેત શિલ્પ મહોત્સવ

માંડવી, તા. 20 : ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા માંડવી ખાતે રેત શિલ્પ મહોત્સવનું આયોજન કરાયું હતું. કચ્છના જાણીતા રેત શિલ્પ કલાકાર અનિલભાઇ જોષી મુખ્ય કલાકાર તરીકે રહ્યા હતા અને એમની સાથે કચ્છના સ્થાનિક નવ જેટલા કલાકારએ ભાગ લીધો હતો. નવ જેટલા સુંદર રેત શિલ્પ બનાવ્યા હતા. વિશ્વ સંગ્રહાલય દિવસના કચ્છના જાણીતા ફોટોગ્રાફર-ગૌરવ પુરસ્કૃત વસંત સંઘવીએ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. માંડવીના સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ રેત શિલ્પને નિહાળી રોમાંચિત બન્યા હતા. મહોત્સવમાં કચ્છ સંસ્કૃતિને લગતા શિલ્પો જેવા કે જેસલ જાડેજા, આઇ લવ કચ્છ, રણનું વાહન, કચ્છ સંસ્કૃતિ, પાળિયા દેવ, હાજી કાસમ અને વીજળી, ફ્લેમિંગો જેવા વિવિધ વિષયો પર સુંદર રેત શિલ્પો રજૂ કરાયા હતા. કચ્છમાં પ્રથમ વખત યોજાયેલ પ્રકારના કાર્યક્રમથી ઉત્સાહિત અને પ્રોત્સાહિત સ્થાનિક કલાકારોએ લલિત કલા અકાદમીના સચિવ ટી.આર. દેસાઇનો આભાર માન્યો હતો. સ્થાનિક વહીવટી તંત્રનો સહકાર મળ્યો હતો. આવા ઉત્સવોથી કલાકારોને પ્રોત્સાહન મળે છે તેમજ કચ્છ સંસ્કૃતિ ઉજાગર થાય છે અને પ્રવાસીઓને પણ એક નજરાણું મળે છે, તેવી લાગણી વ્યક્ત કરાઇ હતી. તા. 19ના મહોત્સવનું સમાપન થવાનું હતું, લોકલાગણીને માન આપી તા. 20ના સાંજ સુધી પ્રદર્શન ચાલુ રખાયું હતું. સંયોજક તરીકે કચ્છના ગૌરવ પુરસ્કૃત કલાકાર નવીન સોનીએ ફરજ બજાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang