નવી દિલ્હી, તા. 20 : દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્ત્વપૂર્ણ નિર્દેશમાં નજીકના સંબંધીઓ વચ્ચે લગ્નથી થતાં બાળકોનાં આરોગ્યને નુકસાન પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મહત્ત્વના મુદ્દા પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતના વડપણવાળી ખંડપીઠે સ્વીકાર્યું હતું કે, લોહીના સંબંધ હોય, તેવા પાત્રોના લગ્નના સંભવિત નુકસાન પ્રત્યે લોકોને જાગૃત કરવા જરૂરી છે. એક જાણવા જેવા મામલામાં બેંગ્લોરની એક દૃષ્ટિબાધિત કાયદાની છાત્રા ચાર્વી એસ.ની જાહેરહિતની અરજીમાં જણાવાયું છે કે, તેના માતા-પિતા નજીકના સંબંધી છે. આ કારણે છાત્રાને જન્મજાત આનુવાંશિક બીમારીનો સામનો કરવો પડયો છે. આ મામલે સુનાવણી કરતાં કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, અદાલત આ પ્રકારના લગ્નો પર સીધી કોઈ રોક મૂકી ન શકે. કાયદો લાવોને નિર્ણય કરવો સંસદના દાયરામાં આવે છે, તેવું કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દા પર કાયદો બનાવવા અને શાળા, કોલેજમાં શિક્ષણ તેમજ અન્ય માધ્યમોથી લોકોને જાગૃત કરવા પર વિચરવાનો નિર્દેશ આપ્યો હતો.સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, લગ્ન કરવા એ દરેકની અંગત પસંદગી છે. અદાલત તેના પર બળજબરીથી રોક મૂકી શકતી નથી. જો કે, લોકોને એ ખબર હોવી જોઈએ કે, આવા નિર્ણયની આરોગ્ય પર શું અસર થાય છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં નજીકના, લોહીના સંબંધ હોય તેવા લોકો વચ્ચે લગ્નનું ચલણ 28 ટકા જેટલું છે.ગામડાઓમાં લોકો આવા લગ્નથી જન્મતા બાળકોના આરોગ્યને ખતરો હોવાની વાતથી અજાણ છે, તેવું વકીલે કહ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિએ સૂચન કર્યું હતું કે, આવા લગ્નો સામે જાગૃતિનું અભિયાન છેડી, આંગણવાડી, કાર્યકરો, પંચાયતોની મદદ પણ લઈ શકાય છે.