• રવિવાર, 19 જુલાઈ, 2026

રાહત..કચ્છમાં 2 રૂપિયે કિલો ઘાસ વિતરણ થશે

ભુજ / અમદાવાદ, તા. 18 : કચ્છ જિલ્લામાં આ વર્ષે ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશુપાલકોની મુશ્કેલીઓને દૂર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવીય અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના નાના, સીમાંત અને જરૂરિયાતમંદ પશુપાલકોનું પશુધન સચવાઈ રહે તે માટે સરકારે રાહત દરે ઘાસ પૂરું પાડવાની વિશેષ યોજના જાહેર કરી છે, જે પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ નવી વ્યવસ્થા હેઠળ, દરેક પશુ દીઠ દરરોજ 4 કિલો ઘાસ રાહતદરે આપવામાં આવશે. આ ઘાસની કિંમત 2 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકારનો આ નિર્ણય પશુપાલકોના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને કપરા સમયમાં પશુઓને ભૂખ્યા રહેતા અટકાવશે. સરકારના આદેશ અનુસાર, આ રાહત યોજનાનો લાભ કચ્છના નાના અને સીમાંત પશુપાલકોને પ્રાથમિકતાના ધોરણે મળે તે જોવાની જવાબદારી સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવી છે. તંત્રને સૂચના આપવામાં આવી છે કે, તેઓ આ યોજનાના અમલીકરણમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે અને જરૂરિયાતમંદ પશુપાલકો સુધી આ રાહત સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરે. ઘાસ વિતરણ કેન્દ્રો પર પશુપાલકોને સરળતાથી અને પારદર્શક રીતે ઘાસ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જિલ્લા કલેક્ટર અને પશુપાલન વિભાગને તાકીદ કરવામાં આવી છે. વરસાદની ખેંચને કારણે ઘાસચારાની અછતનો ડર પશુપાલકોને સતાવી રહ્યો હતો, પરંતુ સરકારના આ નિર્ણયથી તેમની ચિંતામાં મોટો ઘટાડો થયો છે. દરમ્યાન કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જિલ્લામાં રાહતદરે ઘાસ વિતરણના રાજ્ય સરકારના નિર્ણય વિશે માહિતી આપતાં જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લા વહીવટી તંત્રની દરખાસ્તના આધારે પશુપાલકોને રાહતદરે ઘાસ વિતરણને મંજૂરી આપી છે. કચ્છ જિલ્લામાં 28 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે, જે હાલ વન વિભાગના વિવિધ ગોડાઉન ખાતે રાખવામાં આવ્યું છે. આ ઘાસ સરળતાથી રાહતદરે પશુપાલકોને ઉપલબ્ધ થાય તે માટે સુવ્યવસ્થિત આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.  કચ્છના પશુપાલકોને સહકાર આપવા અનુરોધ કરીને કલેક્ટરે જણાવ્યું કે, પશુપાલકો ઘાસની માગણી મુજબની અરજી જરૂરી આધાર-પુરાવા સાથે ગામના તલાટીને કરી શકશે. આ અરજીના આધારે મામલતદાર દ્વારા પશુપાલકોને ઘાસકાર્ડ ઈસ્યૂ કરવામાં આવશે. ઘાસકાર્ડ પ્રાપ્ત થયા બાદ પશુપાલકો નજીકના ગોડાઉન ખાતે પશુઓ માટેનું ઘાસ રાહતદરે મેળવી શકશે.   

Panchang

dd