• રવિવાર, 19 જુલાઈ, 2026

ફટાકડાના ગેરકાયદે કારખાનામાં 9 જિંદગી હોમાઈ

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગત્રાડ રોડ નજીક મહેમુદપુરામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ બાદ આગની હૃદયદ્રાવક ઘટનામાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જેમાં ત્રણ બાળક સામેલ છે, તો 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે. ઘાયલો 90 ટકાથી વધુ દાઝ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. રિંગરોડ નજીક ખેતરમાં ઊભી કરાયેલી ફટાકડાની ફેક્ટરીમાં બપોરના સમયે એકાએક ધડાકો થયો હતો અને બાદમાં આગ લાગી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ લગભગ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ધુમાડાના ગોટેગોટા કિલોમીટર સુધી જોવા મળતાં અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. ફેક્ટરીમાં ધડાકાને લીધે કામ કરતા મજૂરોના મૃતદેહો 50 મીટર દૂર ક્ષતવિક્ષત હાલતમાં ફંગોળાયા હતા. રેપિડ એક્શન ફોર્સ (આરએએફ) કેમ્પની પાછળ આ ફેક્ટરી ધમધમી રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ફેક્ટરીનું લાઈસન્સ રદ થયું હોવા છતાં તેમાં ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું હતું. આ દુર્ઘટનાને પગલે અમદાવાદ શહેરના મેયર, મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની દુર્ઘટના પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેમના પરિવારજનોને ઊંડી સાંત્વના પાઠવી હતી.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી મૃતકોના પરિવારોને બે લાખ, ઘાયલોને 50 હજાર, રાજ્ય સરકાર દ્વારા મૃતકોના કુટુંબોને ચાર લાખ, ઘાયલોને 50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરવામાં  આવી હતી.  આ ફેક્ટરી મેહુલ ડોડિયા નામનો યુવક ચલાવી રહ્યો હોવાનું જણાયું હતું. ફેક્ટરીનું લાઈસન્સ રદ કરાયું હોવા છતાં ખુલ્લાં ખેતરમાં પતરાં અને તાડપત્રી બાંધીને તથા ટેબલો ગોઠવીને ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી હતી. બપોરના સમયે ફેક્ટરીમાં કોઈ કારણથી બ્લાસ્ટ થયો હતો અને બાદમાં આગ લાગી હતી. પ્રચંડ ધડાકાનો અવાજ સાંભળીને ફાયરની ટીમ પહોંચે તે પહેલાં નજીકમાં જ આરએએફ કેમ્પમાંથી જવાનો મદદ માટે દોડી આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ મૃતદેહો 50 મીટર દૂર સુધી વિખરાયેલા પડયા હતા. 15 જેટલા ઘાયલને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને એલ.જી. હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરના જવાનોએ સ્થળ પર પહોંચીને પાંચ જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પાંચ ઘાયલમાં મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ મહિલાની તબિયત સ્થિર છે, જ્યારે બાળકો 90 ટકાથી વધુ દાઝ્યા હોય તેમની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે.  પોલીસ દ્વારા હાલમાં ફેક્ટરી સંચાલક મેહુલ ડોડિયા વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધ તેમજ વિસ્ફોટક પદાર્થ કાયદાની કલમો હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકોની ઓળખ હજુ કરવાની બાકી છે અને તેઓ રામોલ તથા વસ્ત્રાલ આસપાસ રહેતા હોવાનું જણાયું છે. 

Panchang

dd