• રવિવાર, 07 જૂન, 2026

પ્રધાનનાં રાજીનામાની માંગ સાથે કોકરોચનું આંદોલન

નવી દિલ્હી, તા. 6 : નીટ પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટીએ શનિવારે દિલ્હીના જંતરમંતર પર પાંચ કલાક સુધી પ્રદર્શન કર્યું હતું. પાર્ટી સ્થાપક અભિજિત દીપકેએ ચેતવણી આપી હતી કે, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે નહીંતર આવતા શનિવારે ફરી જંતરમંતર પર આંદોલન છેડાશે અને અમારી લડતને દેશભરમાં પણ લઈ જવાશે તથા અનેક શહેરોમાં આંદોલન કરાશે. આ આંદોલને ભારતનાં રાજકારણમાં પણ વમણ સર્જ્યું છે.  આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, આપ યુવાનોની માંગને સમર્થન આપે છે. આ આંદોલન યુવાઓની નિરાશાની અભિવ્યક્તિ છે. બીજીતરફ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીને જણાવ્યું હતું કે, અમુક લોકો વિદેશમાં બેસીને એવું વિચારી લે છે કે, અમે ભારતના યુવાઓને દિશા આપશું ભારતના યુવાઓ કોઈની કઠપૂતળી નહીં બને. અભિજિત શનિવારે સવારે જ અમેરિકાથી દિલ્હી પરત ફર્યા હતા. એરપોર્ટથી સીધા જંતરમંતર પહોંચ્યા હતા, જંતરમંતર પર સીજેપીનાં સમર્થનમાં હજારો યુવાઓ ઊમટી પડયા હતા. સોનમ વાંગચૂકે પણ મંચ પર આવી પ્રદર્શનને સમર્થન જાહેર કર્યું હતું. અભિજિતે કહ્યું હતું કે, હવે આ વિરોધ પ્રદર્શન કેન્દ્રીય શિક્ષામંત્રી રાજીનામું ન આપે, ત્યાં સુધી ચાલશે.  અભિજિતે આગળ સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે, માગણીઓ પૂરી કરવાનાં બદલે સીજેપી સંગઠનની સોશિયલ મીડિયા ગતિવિધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શિક્ષાપ્રધાનનાં રાજીનામાની માગણીને એક માસ થઈ ગયો છે, પણ આ લોકો એટલા બેશરમ છે કે, કાર્યવાહી કરવાના બદલે અન્ય કામોમાં લાગી ગયા છે. અમારાં એકાઉન્ટ હેક કરાવવાથી માંડીને પોસ્ટ ડિલીટ કરાવવા ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. અમારાં એકાઉન્ટ કે પોસ્ટ ભલે ડિલીટ થાય, પણ અમને ખતમ કરી શકાશે નહીં.  જંતરમંતર ખાતે આ પ્રદર્શનમાં શાળા-કોલેજોના છાત્રો સાથે મોટી સંખ્યામાં યુવા વ્યવસાયિકો પણ પહોંચ્યા હતા. અનેક દેખાવકારોએ કોકરોચનાં માસ્ક પહેરેલાં હતાં. કેટલાક લોકોના હાથમાં ફૂલ અને તિરંગા પણ હતા. દેખાવકારોએ બુલંદ અવાજે ધમેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે અને `મેક ઈન ઈન્ડિયા નહીં, લીક ઈન ઈન્ડિયા' જેવી નારાબાજી પણ કરી હતી. સામાજિક કાર્યકર સોનમ વાંગચૂકે તમામ પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. કોકરોચ પાર્ટીના સ્થાપક અભિજિતે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપવા માટે પાંચ દિવસનું આખરીનામું આપ્યું હતું. કોકરોચ જનતા પાર્ટીનાં પ્રદર્શન દરમ્યાન પોલીસે સમર્થકો અને વિરોધીઓ વચ્ચે તાણની શંકા વ્યક્ત કરતી બાતમી બાદ છ લોકોની ધરપકડ કરી હતી. પૂણેમાં અભિજિતનાં ઘરની  બહાર પોલીસ તૈનાત કરી દેવાઇ  હતી. દીપકેએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શકતા સહિત પાંચ માંગ કરી હતી. 

Panchang

dd