નવી દિલ્હી, તા. 6 : આર્ટિફિશિયલ
ઈન્ટેલીજન્સનાં ફાયદા કરતાં તેનાં ખતરા અને ભયસ્થાનોની ચર્ચા વધુ ગંભીર અને ચિંતાનો
વિષય બનેલા છે. ત્યારે એઆઈની જ દિગ્ગજ કંપની એંથ્રોપિક દ્વારા ચોંકાવનારી ચેતવણીમાં
કહેવામાં આવ્યું છે કે, એઆઈ માસણનાં
કાબૂની બહાર જઈ શકે છે અને તેણે એઆઈ સિસ્ટમનાં વિકાસને રોકવાની અપીલ પણ કરી છે. જેને
પગલે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે કારણ કે એઆઈનાં અત્યાધુનિક મોડેલ વિકસાવવામાં એંથ્રોપિક
અન્ય કંપનીઓથી ખુબ જ આગળ હોવાનું માનવામાં આવે છે. એંથ્રોપિકનું કહેવું છે કે,
નવા એઆઈ મોડેલ એવા સંકેતો આપી રહ્યાં છે કે, તે
માણસનાં કાબૂની બહાર જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સાન ફ્રાંસિસ્કો
સ્થિત એંથ્રોપિક પોતાનાં જબરદસ્ત એઆઈ ક્લોડનાં કારણે વિશ્વભરમાં લોકપ્રિય છે. એંથ્રોપિકે
સૌથી શક્તિશાળી એઆઈ સિસ્ટમ વિકસાવવા ઉપર તાત્કાલિક અસરથી રોક મૂકવાની માગણી કરવામાં
આવી છે. કંપનીનું કહેવું છે કે, એઆઈની રફ્તાર એટલી તેજ છે કે,
સમાજ વ્યવસ્થા અને સુરક્ષા તેની સાથે તાલમેલ બેસાડી શકતા નથી. એંથ્રોપિકની
આ માગથી દુનિયાનાં ઉદ્યોગજગત અને સરકારો તરફથી વિભિન્ન પ્રતિક્રિયાઓ આવી રહી છે. એંથ્રોપિકને
પોતાનાં આંતરિક ડેટાથી જાણવા મળ્યું છે કે, હવે એઆઈ પોતાને વિકસિત
કરવાની ઝડપ વધારવા માંડયું છે. જેનાથી એક લૂપ બની રહ્યો છે અને એઆઈ પોતાની જાતને વધુ
સમજદાર બનાવવાની દિશામાં આગળ વધવા માંડયું છે. જો એઆઈ આપમેળે પોતાને બહેતર બનાવવાનું
શીખી જાય તો પછી દુનિયા અને માણસજાત માટે મોટો ખતરો બની શકે છે. ભલે આ સ્થિતિ હજી દૂર
છે પણ એઆઈની પ્રગતિ માણસની ભૂમિકાને સતત સીમિત કરવા માંડી છે. જે ખતરનાક ભવિષ્યનો સંકેત
કરે છે. એંથ્રોપિકનું કહેવું છે કે,
વૈશ્વિકસ્તરે એઆઈનાં વિકાસને રોકવો કઠિન છે. કંપની આની તુલના પરમાણુ
શત્ર સાથે કરે છે. પરમાણુ હથિયારોને રોકવા માટે દુનિયાભરમાં સંધિઓ થઈ છે પણ એઆઈને રોકવાનું
તેનાંથી પણ વધુ કપરા ચઢાણ સાબિત થવાનું છે. જો કે એંથ્રોપિકની આ માગણીનો વિરોધ પણ થઈ
રહ્યો છે. ટેક દિગ્ગજ કંપનીઓ કહે છે કે, આવું કરવાથી ચીનને ટેકનોલોજીની
રેસમાં સરસાઈ આપી દેવા સમાન બની જશે. - વિશ્વની પહેલી એઆઇ-ડિઝાઇન્ડ
રસી તૈયાર ! : નવી દિલ્હી, તા. 6 : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) હવે માત્ર ચેટબોટ, ઇમેજ જનરેશન અથવા ડેટા વિશ્લેષણ સુધી સીમિત
નથી. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ એઆઇની ભૂમિકા ઝડપથી વધી રહી છે. બીમારીઓની ઓળખ,
નવી દવાઓના વિકાસ બાદ હવે એઆઇએ વેક્સિન નિર્માણમાં મોટું પગલું ભર્યું
છે. વૈજ્ઞાનિકોએ દુનિયાની પહેલી એવી રસી તૈયાર કર્યાનો દાવો કર્યો છે જેને એઆઇની મદદથી
તૈયાર કરવામાં આવી છે. આ રસી કોઈ એક વાયરસ નહી પણ સમગ્ર વાયરલ પરિવાર સામે સુરક્ષા
પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના શોધકર્તાઓએ બાયોટેક
કંપની ડાયોસિનવેક્સ સાથે મળીને નવી ટેક્નીક ઉપર કામ કર્યું છે. શોધકર્તાઓના કહેવા પ્રમાણે
વેક્સિન વર્તમાન વાયરસથી સાથે સાથે ભવિષ્યમાં સામે આવનારા નવા વેરિયેન્ટસ અને સંભવિત
ખતરનાક વાયરસ સામે પણ બચાવ કરી શકે છે. આ ટેકનિકે પહેલા માનવ પરીક્ષણનો મહત્ત્વનો તબક્કો
પૂરો કરી લીધો છે. શરૂઆતી ટ્રાયલમાં વેક્સીન સુરક્ષિત રહી છે અને તેને 200થી વધારે લોકો ઉપર પરખવામાં
આવી હતી. પરિયોજના હેઠળ વૈજ્ઞાનિકોએ દુનિયાભરમાંથી
એકત્રિત કરેલા કોરોના વાયરસના જીનોમિક ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં અગાઉના
પ્રકોપ, વર્તમાન સંક્રમણ અને પશુ વાયરસની જાણકારી સામેલ
હતી. જે ભવિષ્યમાં લોકોને સંક્રમિત કરી શકે છે.