ગાંધીધામ, તા. 6 : ભુજમાં મિત્ર સાથે બોલાચાલી
કરવા મામલે વચ્ચે પડેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. બીજી બાજુ ભુજ તાલુકા
પંચાયતમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ બનતાં ચકચાર પ્રસરી હતી. પોલીસનાં સત્તાવાર
સાધનો પાસેથી મળતી વિગતો મુજબ શહેરના સુરલભિટ્ટ વિસ્તારમાં મારામારીનો બનાવ ગત સાંજના
અરસામાં બન્યો હતો. આરોપીઓ સુરેશ કોલી, દર્શન કોલી અને હરેશ કોલીએ ફરિયાદી દિલીપ મામદ કોલી ઉપર લોખંડનો પાઈપ અને ધોકા
વડે હુમલો કર્યે હતો. યુવાનને માથાં સહિતના
ભાગમાં ઈજાઓ પહોંચી હતી. આરોપીઓ ફરિયાદીના મિત્ર સાથે જૂની અદાવત મામલે ગાળાગાળી કરતા
હતા. આરોપીઓને ગાળાગાળી કરવાની ના કહેતાં ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કર્યો હતો તેમજ
પરેશને મોઢાંના ભાગે ઈજાઓ પહોંચી હતી. દરમ્યાન ભુજ તલુકા પંચાયત કચેરી ખાતે આજે બપોરના
અરસામાં બનાવ બન્યો હતો. ભોજરડો ગ્રામ પંચાયતનું
મકાન બાંધવા મુદ્દે બે જૂથ રજૂઆત કરવા આવ્યા હતા. બે જૂથ અલગ-અલગ સ્થળે મકાન બનાવવાનું
કહેતા હતા. આ દરમ્યાન બોલાચાલી ઉગ્ર બની હતી. બન્ને જૂથ હાથાપાઈ ઉપર ઊતરી આવ્યા હતા.
મામલો ઉગ્ર બનતાં પોલીસ બોલાવી પડી હતી. આ બનાવમાં બે જણને ઈજા પહોંચી હતી. સારવાર
માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ હોવાનું જાણવા
મળ્યું હતું.