ગુજરાત અને દેશના વિકાસમાં કચ્છ હવે મજબૂત યોગદાન આપતો જિલ્લો
બન્યો છે. સવાથી દોઢ લાખ કરોડનું ઔદ્યોગિક મૂડીરોકાણ, પાકિસ્તાન સાથેની ભૂમિ - દરિયાઇ સરહદને લઇને
તેની સંવેદનશીલતા, ડ્રગ્સ માફિયાઓ માટે ટ્રાન્ઝિટ પોઇન્ટ... આ
બધા મુદ્દાઓ સૂચવે છે કે, કચ્છ હવે મહત્ત્વનું મથક બની ગયું છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર માટે વિશેષ ધ્યાન આપવા યોગ્ય પ્રદેશ છે, એટલે તેનું રાજકીય વજન વધે એ પણ સમયની જરૂરિયાત છે. રાજ્યસભાની ચૂંટણીઓને લઇને
ગુજરાતમાં રાજકીય ગતિવિધિ તેજ બની છે. ચાર બેઠક માટે સત્તાવાર જાહેરનામું બહાર પડયું.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8મી જૂન છે અને જરૂર પડયે 18મી જૂનનાં મતદાન યોજાશે. રાજકીય વર્તુળોમાં સંભવિત ઉમેદવારોનાં
નામોની ચર્ચા ઊઠી ત્યારે ચાર પૈકી એક બેઠક કચ્છને ફાળવાય એવી આ સરહદી જિલ્લાની લાગણી
ઊભરી પણ અફસોસ સાથે એ નોંધવું પડે છે કે, આ વખતે પણ કોઇ કચ્છી પર ભાજપ હાઇકમાન્ડની અમી નજર ન પડી. દેશને આઝાદી મળ્યા
પછીના કાળમાં કચ્છ માટે લોકસભાની બે બેઠક હતી.
સંરચનામાં ફેરફાર થયા પછી કચ્છને રાજ્યસભામાં સ્થાન અપાતું. એક સમયે સી સ્ટેટ-ક વર્ગના
રાજ્ય તરીકેના કચ્છના વિશેષ દરજ્જાનું એ રીતે સન્માન થતું. એનો મુખ્ય ઉદ્દેશ કચ્છ જેવા
રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા જિલ્લાની ખાસ દરકાર લેવાય, પ્રશ્નો
તરફ તત્કાલ ધ્યાન અપાય એ સુનિશ્ચિત કરવાનો હતો. નિ:સંદેહ એ પછીના દાયકાઓ દરમ્યાન કચ્છની
વિકાસની ગાડી અટવાયેલી રહી, અવગણનાની લાગણીથી પીડાતાં કચ્છનો
હાથ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદીએ ઝાલ્યો અને આજે આ ક્ષેત્રની કાયાપલટ
થઇ ચૂકી છે. કચ્છ હવે વિકાસ ઝંખતો જિલ્લો નથી
રહ્યો. કચ્છે પોતાની ક્ષમતા અને પુરુષાર્થથી આ સ્થાન હાંસલ કર્યું છે, તો તેનો રાજકીય શિરપાવ મળવો જોઇએ એવી કચ્છની પ્રબળ લાગણી છે. કચ્છ પર ભાજપનું
લાંબા સમયથી વર્ચસ્વ રહ્યું છે. લોકસભા અને છ વિધાનસભામાં મતદારોએ કેસરિયા પક્ષને અઢળક
મત આપ્યા છે. તાજેતરની પાલિકા-પંચાયત ચૂંટણીમાં પણ ભાજપનો જ સપાટો જોવા મળ્યો. ગુજરાતમાં
રાજ્યસભાની ચૂંટણી જાહેર થાય ત્યારે દરેક વખતે કચ્છને આશા જાગે કે, એક બેઠક પર તેનો નૈતિક અધિકાર ધ્યાને લેવાશે,પણ કચ્છનો
એવો કોઈ અવાજ નથી જેનું ગાંધીનગર કે દિલ્હીમાં વજન પડે. ઇતિહાસમાં એ નોંધાયેલું છે
કે, બંધારણના અમલના પ્રારંભે કચ્છને રાજ્યસભાની સ્વતંત્ર એક બેઠક
ફાળવવામાં આવી હતી. થોડા દિવસો પહેલાં કચ્છમિત્રમાં બંધારણીય બાબતોના નિષ્ણાત હરેશભાઈ
મહેતાએ આ મુદ્દાની વિગતે છણાવટ કરી હતી. 1956માં કચ્છ, સૌરાષ્ટ્ર,
ગુજરાત સહિતના પ્રદેશોનો દ્વિભાષી મુંબઈ રાજ્યમાં સમાવેશ કરાયો ત્યારે
કચ્છના જનપ્રતિનિધિ સાંસદની રજૂઆતને ધ્યાનમાં લઈને દેશના તત્કાલીન ગૃહમંત્રી ગાવિંદ
વલ્લભ પંતે ભારતની સંસદમાં એવી ખાતરી આપી હતી કે, કચ્છ સહિતની
આગવી પ્રાદેશિક વિશેષતા ધરાવતા પ્રદેશોના બંધારણીય અધિકારનું જતન કરાશે અને એ રીતે
કચ્છને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ અપાયું હતું. 1લી મે,
1960ના ગુજરાત અને મહારાષ્ટ્ર સ્વતંત્ર
રાજ્યો તરીકે અસ્તિત્વમાં આવ્યાં, કચ્છ
ગુજરાતનો હિસ્સો બન્યું એ પછી પણ અનુચ્છેદ 371ની જોગવાઈ હેઠળ આગવી પ્રાદેશિક ઓળખ ધરાવતા રક્ષિત પ્રદેશ તરીકે
કચ્છને રાજ્યસભાની બેઠક મળતી રહી હતી, એ રીતે સ્વતંત્રતા પછી રાજ્યસભામાં કચ્છના છ પ્રતિનિધિને ચૂંટાવાની તક મળી
છે, જેમાં લવજી લખમશી ઠક્કર (1952-60), ડો. મહિપતરાય મહેતા (1960-66), બિહારીલાલ અંતાણી (1966-71), કિશોરભાઈ મહેતા (1981-87) અને અનંતભાઇ દવે (1990થી 96 અને 1996થી 2002)નો સમાવેશ થાય છે. પ્રેમજી
ભવાનજી ઠક્કર 1952માં ઉપલા સદનમાં સૌ પ્રથમ કચ્છી
પ્રતિનિધિ તરીકે ગયા હતા, પરંતુ તેમની
કચ્છ રાજ્યના સલાહકાર સમિતિમાં નિમણૂક થતાં ચાર માસમાં જ તેમણે રાજીનામું આપ્યું હતું.
આમ 2002 પછી સરહદી જિલ્લાના અધિકારનો
છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. રાજકીય અવગણના અને અન્યાયનો ભોગ બનતાં રહેલાં કચ્છ માટે
ભૂતકાળમાં ગાંધીનગર કક્ષાએ એવી દલીલ સાંભળવા મળતી રહી છે કે, કચ્છની જિલ્લા તરીકે દરકાર રખાય છે,
પરંતુ ભૌગોલિક અને પ્રાદેશિક વિશિષ્ટતાની નજરે કચ્છ વિશિષ્ટ માવજતનું
અધિકારી છે. ગુજરાતનો આ જિલ્લો સરહદી પ્રદેશ તરીકે સંવેદનશીલતા ધરાવે છે. રાજ્યનો ચોથા
ભાગનો તેનો વિસ્તાર વારંવારની કુદરતી આફતો, જબ્બર ઔદ્યોગિક વિકાસ
આ બધી એવી બાબતો છે જેને લગતા પ્રશ્નો ખાસ ધ્યાન માગી લે છે. એ ઉકેલવા માટે દિલ્હી
કક્ષાએ વધુ પ્રતિનિધિત્વ હોય તો જલ્દી નિવેડો આવે. કમનસીબે રાજ્યસભા ચૂંટણી જાહેર થાય
એ પછી કચ્છને પ્રતિનિધિત્વ માટે રજૂઆત સુદ્ધાં થતી નથી. આપણા રાજકારણીઓથી લઈને વેપારી
સંસ્થાઓ આ ફરજ બજાવવાનું ચૂકે છે. આ વખતે પણ કચ્છ રજૂઆતની ટ્રેન ચૂકી ગયું. કમસેકમ
માગણી કરવામાં આવે તો `મોવડી મંડળ'ને ખ્યાલ તો આવે કે, કચ્છનો
આ અધિકાર છે. એક દાખલો જોઇએ તો કચ્છનો વિમાની સેવાનો પ્રશ્ન હજુ ઊભો છે. ભુજ-મુંબઈ
વચ્ચે રોજની બે ફ્લાઈટ છે. અઠવાડિયામાં બે દિવસ ત્રીજું વિમાન હોય છે. કંડલા (અંજાર)
એરપોર્ટને તો તાળાં લાગી ગયાં છે. હજારો કચ્છી વિદેશમાં વસે છે. એ સિવાય બિઝનેસ સમુદાયનું
કચ્છ પર વિશેષ ધ્યાન છે, મસ્કત-અમદાવાદ સીધી ફ્લાઈટની તીવ્ર માંગ
છતાં શરૂ નથી થતી. કચ્છની આ બાબતો દિલ્હી સરકારના કાને તીવ્રતા સાથે પહોંચાડવાની જરૂર
છે. કહેવાનું તાત્પર્ય એ કે, લોકસભાની સાથે રાજ્યસભામાં પણ કચ્છનો
અવાજ હોય તો વધુ વજન પડી શકે.