અંજાર, તા. 6 : તાલુકાના સિનુગ્રામાં આવેલી
સરકારી જમીન ઉપર અસામાજિક તત્ત્વો દ્વારા બિનઅધિકૃત
રીતે દબાણ ઉપર વહીવટી તંત્રે બુલડોઝર ફેરવ્યું હતું. તંત્રે અંદાજિત રૂા. 16,77,484 કિંમતની 5,184 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.
અંજાર પ્રાંત અધિકારીની અધ્યક્ષતા તળે મળેલી બેઠકમાં સ્થાનિક પોલીસ તંત્રની અપાયેલ યાદીમાં અસામાજિક
પ્રવૃત્તિ કરતા ઈસમોએ ગેરકાયદેસર રીતે મિલકત કબજે કરાઈની રજૂઆત અન્વયે તપાસ હાથ ધરાઈ
હતી. લેન્ડ ગ્રેબિંગના કાયદા તળે નાયબ કલેક્ટર
દ્વારા કરાયેલી કાર્યવાહી સંદર્ભે તપાસ કરવામાં
આવી હતી, જેમાં દાઉદ ભચુ કકલે સિનુગ્રાના સર્વે નં. 155/પૈકી 15વાળી સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોવાનું
સપાટી ઉપર આવ્યું હતું. સરકારી જમીનના કબજેદાર નિયત સમયગાળામાં આધાર-પુરાવા રજૂ ન કરી
શકતાં બે દિવસમાં જમીન ખુલ્લી કરવા અને રૂા. 3,34,934નો દંડ ભરવા આદેશ કરાયો હતો. તેમ છતાં સરકારી જમીન ખુલ્લી થઈ
ન હતી.જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તથા નાયબ કલેક્ટર એમ.જે. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ મામલતદાર
બી.વી. ચાડવા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સરકારી જમીન ઉપર થયેલ અતિક્રમણ દૂર કરાયું
હતું. તંત્રે 125 ચો.મી.માં રહેણાક અને 5,059 ચો.મી.માં વાણિજ્ય સહિત કુલ
5,184 ચો.મી. જમીન ખુલ્લી કરાવી હોવાનું
એક યાદીમાં જણાવ્યું હતું.