• રવિવાર, 07 જૂન, 2026

આવી મંદી જિંદગીમાં ક્યારેય જોઇ નથી...

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 6 : છેલ્લા કેટલાક મહિનાઓથી બેફામ  ભાવવધારો, મધ્ય-પૂર્વનાં યુદ્ધને લીધે ફાટી નીકળેલી મોંઘવારી, ઈમ્પોર્ટ ડયૂટીમાં 9 ટકાનો મોટો વધારો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશના રિઝર્વ ફોરેક્સને મજબૂત બનાવવા માટે લોકોને એક વર્ષ સુધી સોનાં-ચાંદીની ખરીદી ટાળવા માટેની અપીલ સહિતનાં પરિબળોને લીધે કચ્છમાં સોનાં-ચાંદી બજારની હાલત વધુ વણસી છે. લાંબા સમયથી ઘરાકી 1પથી 20 ટકાથી બહાર નીકળતી નથી. વેપારીઓ વેઈટ એન્ડ વોચની અનિશ્ચિત પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે ત્યારે સૌથી ખરાબ હાલત કારીગરોની થઈ છે. 70 ટકા કારીગરો પાસે કામ નથી અને નાછૂટકે સંખ્યાબંધ કારીગરો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. કોઈ ખાણીપીણીની દુકાન ખોલી છે, કોઈ હોટેલમાં નોકરીએ રહી ગયા છે, કોઈ વળી શેરબજારના સોદામાં સપડાયા છે. ભુજ, માધાપર, અંજાર, ગાંધીધામ સહિતનાં નગરોમાં કેટલાય કારીગરોની હાલત કફોડી બની છે. કચ્છમાં લગભગ બે હજાર જેટલા બંગાળી કારીગરો હતા પણ એ પૈકી અંદાજે 1200થી 100 કારીગર તો કામ ન હોવાને લીધે, વિધાનસભા ચૂંટણીને લીધે અને વેકેશનને લીધે વતન પરત ચાલ્યા ગયા છે અને હવે એ પૈકી બહુ ઓછા લોકો હાલ પરત આવે  તેવી ભીતિ છે. સોનાં-ચાંદીની બજારના હાથપગ એવા આ કારીગરો માટે વિશેષ પેકેજ જાહેર નહી થાય તો સ્થિતિ સાવ બદતર બની જશે. લંબાયેલી મંદીને કારણે કચ્છમાં ચાંદીનો કારોબાર રોજના 400થી પ00 કિલોમાંથી ઘટીને એક તબક્કે પ0 કિલો થઈ ગયો હતો અને અત્યારે પણ અંદાજે 70થી 80 કિલોની આસપાસ જ હોવાનું જાણકારો કહે  છે. બે મહિનાથી એક કંપનીમાં નોકરીએ લાગી ગયેલા એક સોનાં-ચાંદીના કારીગરે જણાવ્યું કે, 17 વર્ષથી કામ કરું છું, પણ આવી હાલત કયારેય જોઇ નથી. ચારેક મહિના કામ વગર કાઢયા એટલે પછી નોકરીએ લાગી ગયો, દિવાળી વખતે પણ કારીગરીનાં કામમાં પાછો જઇ શકીશ કે કેમ એ ખબર નથી. કચ્છમાં ચાંદીના કારીગરો જ લગભગ 400 અને સોનાંના કારીગરો 200 હોવાનો અંદાજ છે. છેલ્લા દસેક મહિનાની ગંભીર સ્થિતિને લીધે જે વેપારીઓને નાછૂટકે પોતાના કારીગરોની સંખ્યામાં પ0થી 60 ટકાનો કાપ મૂકવાની ફરજ પડી છે. અખિલ કચ્છ સોનાં-ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલ સોની કચ્છમિત્રને કહે છે કે, લોકો હવે અત્યંત જરૂરિયાત હોય ત્યારે જ દાગીના ખરીદે છે, જેને લીધે કેટલાય કારીગરો પણ બેરોજગાર બની ગયા છે. લગ્નપ્રસંગે પણ અન્ય કુટુંબીઓનાં ઘરેણાં બનાવવા પર કાપ મુકાયો છે. ઘણા કારીગરો અન્ય ધંધા કે નોકરી તરફ વળી ગયા છે.  કોઈ નાની-મોટી કંપનીમાં નોકરીએ લાગી ગયા છે, કોઈ ભેલની લારી કાઢે છે, કોઈ હોટેલમાં કામ કરે  છે. ભાવ સ્થિર થશે તો ફરી ખરીદી નીકળશે, પણ હાલ તો યુદ્ધને લીધે એ શક્ય લાગતું નથી. કચ્છ બુલિયન ફેડરેશનના પ્રમુખ રાજેશભાઈ પાટડિયા કહે  છે કે, સોનું નહીં ખરીદવાની વડાપ્રધાનની અપીલને અમેય સમર્થન આપીએ છીએ, પણ તેની સામે બીજા વિકલ્પો પણ આપવા જોઈએ. ભારતના ઘરોમાં વીસથી પચ્ચીસ હજાર ટન સોનું રહેલું છે  અને લોકો માટે ગોલ્ડ મોનેટાઈઝેશન જેવી કોઈ સ્કીમ અમલી બને તો એ સોનું બેન્કોમાં પહોંચે. રાપર-ભચાઉના ઝુમણા-ઘરમણા વગેરેના દેશી કારીગરોની વૈશાખની લગ્નની સિઝનમાં બે મહિના પહેલાંથી ડિમાન્ડ હોય, પણ આ વખતે તેમની પાસે પણ બહુ કામ નહોતું. ભાવની વધઘટ એવી છે કે, સોનીઓ માટે ઉધારમાં ધંધો કરવો બહુ મુશ્કેલ થઇ ગયો છે. ભુજ બુલિયન એસોસીએશનના પ્રમુખ ભદ્રેશ દોશી કહે છે કે, બજારમાં મંદી તો છે જ, પણ વૈશાખની લગ્નની મોસમ દરમ્યાન થોડી ઘરાકી નીકળી હતી. અમુક કારીગરો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે, પણ બાકી મોટા વર્ગને નાનું-મોટું કામ મળે છે. વડાપ્રધાને સોનાંની ખરીદીને લઇને જે સૂચન કર્યું એ મોટેભાગે લગડીની કાચાં સોનાંની ખરીદી માટેનું હતું. બંગાળી કારીગરોનો એક વર્ગ અત્યારે પોતાના વતનમાં ચાલ્યો ગયો છે, પણ ઘણા કારીગરો કચ્છમાં છે. ભુજના જાણીતા વેપારી હિતેશ પ્રભુદાસભાઇ સોની કહે છે કે, બજારની હાલત અત્યારે બહુ સારી નથી. રાજકોટ જેવી મોટી બજારમાં પણ ચહલપહલ નથી. આ મહિને પ્રસંગો નથી. તીવ્ર ગરમી છે એટલે કચ્છમાં પણ ઘરાકી 10થી 20 ટકા જેટલી જ છે. વેપારીઓ તો અત્યારે સ્થિતિ સુધરવાની રાહ જોઇ રહ્યા છે, પણ કારીગરોની હાલત ખરાબ થઇ ગઇ છે. ઘણા કારીગરો નાછૂટકે બીજા ધંધા કે નોકરી તરફ વળ્યા છે. - હોલમાર્કિંગ માટે ભુજ, અંજાર, ગાંધીધામના ધક્કા... : સરકાર શુદ્ધતાની ગેરંટી માટે સોનાંમાં હોલમાર્કિંગ લાવી એ સારી બાબત છે, પણ વેપારીઓ માટે તેની પ્રક્રિયા સરળ બનાવવી જોઇએ અને કચ્છ જેવા મોટા જિલ્લામાં હોલમાર્કિંગ સેન્ટરો પણ ઓછા હોવાથી દૂરના નગરમાં રહેતા વેપારીઓ માટે ભુજ, અંજાર અને ગાંધીધામના સેન્ટરમાં હોલમાર્કિંગ માટે માલ મોકલવો, પછી તેનું રજિસ્ટ્રેશન કરવું એ બધી પ્રક્રિયા પૈસા અને સમય માગી લે છે. કચ્છમાં હાલ પાંચ જ હોલમાર્કિંગ સેન્ટર છે. રાપર કે નખત્રાણાના વેપારીએ ગાંધીધામ કે ભુજ સુધી લંબાવું પડે છે. - વિશ્વકર્મા યોજનાને વિઘ્ન... : કારીગરો માટેની કેન્દ્ર સરકારની વિશ્વકર્મા યોજના શરૂ થઇ ત્યારે કચ્છના કારીગરો હરખાયા હતા, પણ કમનસીબે આ યોજના બહુ આગળ વધી જ નહીં. હીરાલાલભાઇ સોનીના જણાવ્યા અનુસાર અમે કચ્છના એકાદ હજાર કારીગરોનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમાં ટ્રેનિંગ લેવાની હોય, પછી સરકાર સોનાં-ચાંદીના ખાસ હથિયાર-ઓજાર આપે, પછી લાખ રૂપિયાની લોન ચાર ટકા વ્યાજે આપે એ ભરપાઇ થાય પછી બે લાખ-ત્રણ લાખની આપે, પણ પછી આ યોજનાનો લાભ કારીગરો કે નાના વેપારીઓને મળ્યો નહીં. - વેરા વધારાથી દાણચોરી અને બિલ વિના ખરીદી વધે છે : સરકારે સોનાં પરની ઇમ્પોર્ટ ડયૂટી છ ટકાથી વધારીને 15 ટકા કરી નાખી અને ચાર ટકા જીએસટી લાગે છે. ઘડામણ, ટ્રાન્સપોર્ટેશન વગેરે લાગ્યા બાદ ગ્રાહકને તે 20 કે 21 ટકા વધારે ખર્ચમાં પડે છે, એટલે જ ગોલ્ડની દાણચોરી વધી રહી છે અને બિલ વગર ખરીદીની ડિમાન્ડ પણ વધી રહી છે. દેશની તિજોરીને ફાયદો થતો નથી ત્યારે સરકારે વેરા ઘટાડવા તરફ ધ્યાન આપવું જોઇએ. - ચાંદીમાં હોલમાર્કિંગથી `જસતી પાયલ'ને ફટકો પડશે : કચ્છનું ચાંદીવર્ક અને `જસતી પાયલ' રાજ્યભરમાં વખણાય છે, પણ ચાંદીના ભાવમાં વધારા અને હાલની કઠિન પરિસ્થિતિને લીધે તેની માંગમાં પણ 70 ટકા જેટલો ઘટાડો થયો છે. કચ્છના ચાંદીના વેપારીઓ વર્ષોથી કોથળા ભરીભરીને સમગ્ર ઉત્તર ગુજરાત, રાજસ્થાનના અમુક ભાગ સુધી ચાંદી વેચતા રહ્યા છે, પણ હવે તેમાં કમી આવી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર અગાઉ કિલોના હિસાબે માલ લેવાતો, હવે તો અમુક બે-ચાર જોડી જ માલ નીકળે છે. ભાવવધારા ઉપરાંત ચાંદીમાં હોલમાર્કિંગ ફરજિયાત કરવાની તૈયારી પણ કંઇક અંશે જવાબદાર છે. સપ્ટેમ્બર 2025થી ચાંદીમાં મરજિયાત હોલમાર્કિંગ અમલી બન્યું છે અને ગમે ત્યારે તે ફરજિયાત થઇ જશે એટલે ઘણા વેપારીઓ મોટા માલનો સંગ્રહ ટાળી રહ્યા છે. જસતી પાયલ માટે એક ગંભીર પ્રશ્ન એ પણ સર્જાશે કે, તેનું જે રીતે મેલ્ટિંગ થાય છે તે હોલમાર્કિંગમાં ફિટ કરવું થોડું મુશ્કેલ છે. એટલે તેનું ભવિષ્ય પણ અનિશ્ચિત બનશે.  

Panchang

dd