ભુજ, તા. 3 : ઉનાળુ વેકેશન પૂરું થવાને હવે
ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં કચ્છમાં ધોરણ 9થી 12ના સરકારી
પુસ્તકો ન આવતાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાંયે ઉચાટ ફેલાયો છે, જો કે, આગામી 18-19મીએ યોજાનારા પ્રવેશોત્સવ દરમ્યાન
પાઠયપુસ્તકો મળી જવાની હૈયાધારણ જિલ્લા શિક્ષણાધિકારીએ આપી હતી. આગામી 8મી જૂને ઉનાળુ વેકેશન પૂરું થઈ રહ્યું છે
તેમ છતાં ધોરણ 9થી 12ના સરકાર દ્વારા અપાતાં પાઠય પુસ્તકો શાળા કક્ષાએ પહોંચ્યા નથી
જેનાં કારણે વિદ્યાર્થીઓમાં ચિંતાનાં વાદળ ઘેરાયાં હતાં. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી
સંજય પરમારનો સંપર્ક સાધતાં તેમણે પુસ્તકો ન આવ્યાનું સ્વીકારી આગામી 18-19મી જૂને યોજાનારા શાળા પ્રવેશોત્સવ
સુધી પુસ્તકો આવી જવાની હૈયાધારણ આપી હતી. તેમણે વધુમાં કહ્યું, દર વખતે
શાળા પ્રવેશોત્સવ વખતે જ વિદ્યાર્થીઓને પુસ્તકો અપાતાં હોય છે. દરમ્યાન પ્રાથમિક
વિભાગમાં તો કયારનાયે પુસ્તકો આવી ગયાં હોવાનું જાણવા મળી રહ્યું છે.