• ગુરુવાર, 04 જૂન, 2026

ગુજરાતમાં બાંગલાદેશીઓ પર કાર્યવાહી

અમદાવાદ, તા.3 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવી છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત 362 ગેરકાયદેસર બાંગલાદેશીઓની ધરપકડ તથા 782થી વધુ શંકાસ્પદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓપરેશન સંદર્ભે વધુ વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લઈ રહેલા બાંગલાદેશી નાગરિકો અને ઘૂસણખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યની સુરક્ષા સાથે ચેડાં કરનારા દરેક ઘૂસણખોરને ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી કાઢી, તેમના પર કાયદાનો સકંજો કસી તેમને બાંગલાદેશ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 362 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 103 પુરુષ, 188 મહિલા અને 71 બાળકોનો સમાવેશ થાય છે. ઓપરેશન અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ 155 બાંગલાદેશી નાગરિકો અમદાવાદ શહેરમાંથી પકડાયા છે. આ ઉપરાંત સુરત શહેરમાંથી 84, અમદાવાદ ગ્રામ્યમાંથી 34, પૂર્વ કચ્છ-ગાંધીધામથી 13 અને ભરૂચમાંથી 12 સહિત વિવિધ વિસ્તારોમાંથી અવૈધ રહેતા બાંગલાદેશી નાગરિકો પકડાયા છે. આ ઝુંબેશ દરમિયાન મોટી સંખ્યામાં, એટલે કે 782થી વધુ શંકાસ્પદ બાંગલાદેશી નાગરિકો પણ મળી આવ્યા છે, જેમની હાલ સઘન પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ટેક્નોલોજી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સ માત્ર આ વ્યક્તિઓની જ નહીં, પરંતુ તેમને ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ, આશ્રય, નોકરી અથવા નકલી આધાર કાર્ડ અને વોટર આઈડી જેવા ખોટા દસ્તાવેજો પૂરા પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સની પણ ઓળખ કરી રહી છે. ઘૂષણખોરોની મદદ કરનારને પણ બક્ષવામાં આવશે નહીં. પકડાયેલા તમામ ગેરકાયદેસર નાગરિકોને નિયમાનુસાર ડીટેન કરવામાં આવ્યા છે અને તેમને દેશની બહાર ડીપોર્ટ કરવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. - લાંબા સમયથી ભારતમાં ઘૂસીને દસ્તાવેજો બનાવી લીધા હતા : તપાસ દરમિયાન અનેક કિસ્સાઓમાં એવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે કે, પકડાયેલા બાંગલાદેશીઓમાંથી કેટલાક લોકો 2-4 વર્ષ પહેલાં અથવા તેનાથી પણ વધુ સમય પહેલાં પશ્ચિમ બંગાળના જુદા-જુદા ગામડાઓ અને ક્ષેત્રોમાંથી ભારતમાં ઘૂસ્યા હતા. ત્યાં તેમણે સ્થાનિક વચેટિયાઓની મદદથી પશ્ચિમ બંગાળના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા અને તે લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે ભારતના સત્તાવાર આધાર કાર્ડ મેળવવામાં સફળતા મેળવી હતી. આ સમગ્ર નેટવર્કની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થઈ   રહી છે. રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ સંપૂર્ણપણે ટેકનિકલ ડેટા અને ફિલ્ડ વેરિફિકેશન પર આધારિત છે.  

Panchang

dd