રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 3 : બરસાના ના ચીકસોલી મધ્યે શ્રીમદ્ વ્રજપ્રભા ગ્રંથ
પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવ અંતર્ગત તૃતીય દિવસે કથા સ્થળ `રાસ મંડપ` માં
લાડલીજી શ્રી રાધા મહારાણીનો પ્રાગટ્યોત્સવ ભક્તિભાવ, હર્ષોલ્લાસ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવવામાં
આવ્યો હતો. સમગ્ર કથા મંડપ `રાધે-રાધે`ના ગુંજતા જયઘોષોથી ગૂંજી ઉઠ્યો હતો. - રસીકજનો ભાવવિભોર બન્યા : અબીલ,
ગુલાલ અને સુગંધિત પુષ્પોની વર્ષા વચ્ચે રસિકજનો શ્રી રાધાજીના જન્મોત્સવની
વધામણીમાં ભાવવિભોર બની ગયા હતા. કથા મંડપમાં સર્જાયેલું ભક્તિમય અને દિવ્ય વાતાવરણ
દરેક ભાવિકના હૃદયને સ્પર્શી ગયું હતું. કથાના ત્રીજા દિવસે પૂજ્ય વક્તા ત્રિકમદાસજી મહારાજે રાધા મહારાણીના પ્રાગટ્યનો પ્રસંગ ભાવસભર શબ્દોમાં
વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિક્રમ
સંવત 839ના ભાદરવા સુદ આઠમના શુભ દિવસે
રાજા વૃષભાનુજી અને માતા કીર્તિદાજીના ગૃહે દિવ્ય તેજ અને અલૌકિક પ્રકાશ વચ્ચે રાધાજીનું
પ્રાગટ્ય થયું હતું. આ પ્રસંગનું રસમય વર્ણન સાંભળીને કથા મંડપમાં ઉપસ્થિત હજારો શ્રોતાઓ
આનંદ અને ભક્તિના સાગરમાં તરબોળ બની ગયા હતા.
- ગુરૂ પ્રત્યેની અખંડ શ્રધ્ધા
વિના આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત ન થાય
: વક્તાએ કથાનું અમૃતપાન કરાવતા જણાવ્યું હતું કે કેશવભટ્ટે
જ્યારે ચૈતન્ય મહાપ્રભુને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા, ત્યારબાદ તેમને વ્રજપ્રભા ગ્રંથના શ્રવણનો અધિકાર
પ્રાપ્ત થયો હતો. તેમણે સમજાવ્યું કે ગુરુ પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને સમર્પણ વિના
આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થતું નથી. શ્રીકૃષ્ણ અને ઓધવજી વચ્ચેના પ્રેમ અને આત્મીય સંબંધનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું
હતું કે જ્યાં રૂપ, ધન, જ્ઞાન અથવા ભક્તિનું
અભિમાન પ્રગટ થાય છે, ત્યાં ભગવાનની પ્રાપ્તિ અશક્ય બની જાય છે.
ભક્તિમાર્ગમાં વિનમ્રતા અને સમર્પણ જ સર્વોચ્ચ સાધન છે. - સદગુરૂન શરણ વિના ભગવાનની પ્રાપ્તિ
શકય નથી : વ્યાસપીઠ પરથી ભક્તિરસ વરસાવતા વધુમાં
જણાવ્યું હતું કે, `સદગુરુના શરણ વિના ભગવાનની પ્રાપ્તિ શક્ય
નથી. પરમધામના રહસ્યોને સમજવા માટે ગુરુકૃપા અનિવાર્ય છે. ગુરુની કૃપાદૃષ્ટિ જ જીવના
અહંકારનો નાશ કરીને તેને પરમાત્માના ચરણોમાં પહોંચાડે છે.` વકતાના આ સંદેશે શ્રોતાઓને આધ્યાત્મિક જીવનના
ગૂઢ સત્યોનું દર્શન કરાવ્યું હતું. - સાચા ભકતનું હૃદય નિર્મણ રહે છે : તેમણે જણાવ્યું હતું કે જ્ઞાનીના મનમાં
ક્યારેક અભિમાન જન્મી શકે છે, પરંતુ
સાચા ભક્તનું હૃદય હંમેશા નિર્મળ અને નિષ્કપટ રહે છે. તેમણે ગોપીઓના જીવનનું ઉદાહરણ
આપતાં જણાવ્યું હતું કે ગોપીઓએ મોહ, કામ, ક્રોધ, દંભ અને લોભ જેવી વૃત્તિઓ પર વિજય મેળવીને પરમ
ભક્તિનો આદર્શ સ્થાપ્યો હતો. - વ્રજભુમીની પ્રભાતનું વર્ણન : વ્રજપ્રભા ગ્રંથમાં વર્ણવાયેલા વ્રજ રજના
અદ્ભુત મહિમા વિશે પણ તેમણે વિશેષ પ્રકાશ પાડ્યો હતો. વ્રજભૂમિની પ્રભાતનું વર્ણન કરતાં કહ્યું હતું કે જ્યાં ઘરોઘર પ્રગટતા દીપકોના અજવાસ, શ્રીકૃષ્ણના કીર્તનોના મધુર નાદ અને અલૌકિક
આધ્યાત્મિક વાતાવરણ દરેક જીવના હૃદયને પ્રભુપ્રેમથી તરબોળ કરી દે છે. આ વર્ણન સાંભળીને
શ્રોતાઓ જાણે વ્રજની પવિત્ર ભૂમિમાં વિહાર કરી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા હતા.
- ભક્તિરસમાં રસિકજનો મન મુકીને
ઝુમયા : ભક્તિરસથી ભરપૂર આ કાર્યક્રમમાં રસિકજનો
મન મૂકીને ઝૂમી ઊઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ રાધે ના સંકીર્તનથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે બરસાણા ધામના મુખ્ય પૂજારી રાકેશજી મહારાજ, ચિત્રાસખી ના મહંત, ધ્રુવ
મહારાજ , વિનોદજી, મુરલી ડેવલોપર્સ બરસાના
ના સચિન ભૈયા, અંજાર રામસખી મંદિર ના મહંત કીર્તિદાસજી મહારાજ
સહિત વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો, મહંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઋષી કુમારો, ઋષી કન્યા, વ્રજચોર્યાસીના યાત્રીઓ માટે મહાપ્રસાદ
રાધા મહારાણીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે ખાસ કચ્છમાંથી મંગાવવામાં આવેલી સ્વાદિષ્ટ કેસર
કેરીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવ્યો હતો, તેમજ કથા દરમિયાન
બરસાના ના તમામ ઋષિ કુમારો અને ઋષિ કન્યાઓ તેમજ વ્રજ ચોર્યાસી ની યાત્રા કરતા તમામ
યાત્રાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. - રાધારાણીનો પ્રાગ્ટયોત્સવ ભક્તિ, પ્રેમનોનો સંદેશ આપનાર યાદગાર પ્રસંગ : મહોત્સવના
યજમાન માતુશ્રી કર્માબેન રણછોડભાઈ રાધુભાઈ રાવત પરિવાર દ્વારા સવારથી જ મંગલાચરણ, પોથીપૂજન, ગુરુપૂજન તથા
વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન કરાઈ હતી. બરસાણાની પવિત્ર
ભુમી ઉપર ચાલી રહેલી વ્રજપ્રભા ગ્રંથની
આ અમૃતસરવાણીમાં હજારો રસિકો અને ભાવિકો કથાશ્રવણનો લાભ લઈ રહ્યા છે. રાધા મહારાણીના પ્રાગટ્યોત્સવની આ ભવ્ય
ઉજવણી માત્ર એક ધાર્મિક પ્રસંગ નહીં, પરંતુ ભક્તિ, પ્રેમ, સમર્પણ અને
ગુરુશરણાગતિના દિવ્ય સંદેશને જનમાનસ સુધી પહોંચાડતો એક યાદગાર આધ્યાત્મિક મહોત્સવ બની
રહ્યો છે. આવતી કાલે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે તેવું ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું. - વિવિધ પ્રસંગો
તાત્વીક રીતે રજુ કરાયા : અંજાર, તા. 3 : કેશવભટ્ટ અને મહાપ્રભુજી વચ્ચેના દિવ્ય સંવાદનું નિરૂપણ કરાયું હતું. હતું. તેમજ બ્રહ્મમુહૂર્તના મહત્વ, શ્રીકૃષ્ણની સોળ કળાઓ, કુબ્જા, ઓધવજી, રાજા વૃષભાનુ અને
માતા કીર્તિદાજીના પૂર્વ ભવ ની ભક્તિ જેવા પ્રસંગોને તાત્વિક રીતે રજૂ કરવામાં આવ્યા
હતા. શ્રીકૃષ્ણ અને ઓધવજીની નિષ્કપટ મિત્રતા દ્વારા જીવનમાં સાચા મિત્રનું મહત્વ સમજાવવામાં
આવ્યું હતું. - તપના બળથી પ્રભુ પણ ભક્તોના પ્રેમમાં બંધાઈ જાય છે : અંજાર, તા.3 : તપના મહિમાનું વર્ણન કરતાં ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે તપનું બળ
એટલું મહાન છે કે તેના દ્વારા સ્વયં પ્રભુ પણ ભક્તોના પ્રેમમાં બંધાઈ જાય છે. તેમણે
વધુમાં જણાવ્યું કે ઓધવજીને ગોપીઓ પાસેથી અક્ષરાતીત પરમ તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું
હતું, જે ભક્તિના સર્વોચ્ચ સ્થાનને પ્રતિપાદિત કરે
છે. આ અવસરે ત્રિકમદાસજી મહારાજ અને સાધુ ભગવાનદાસજી મહારાજ
દ્વારા ગોપીગીતો, ભજનો, પદો , કીર્તનો અને રાસની અભૂતપૂર્વ રમઝટ બોલાવવામાં આવી હતી.