• ગુરુવાર, 04 જૂન, 2026

મેઘપર કુંભારડીના લોકો પાણી પ્રશ્ને મનપા પહોંચ્યા

ગાંધીધામ, તા. 3 : મેઘપર કુંભારડીના લક્ષ્મીનગરમાં અસહ્ય ગરમી વચ્ચે પીવાનું પાણી ન મળતાં મહિલાઓ તેમજ લોકો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પાણી વિભાગના જવાબદારોને રજૂઆત કરી હતી. લગભગ બે દિવસમાં સમસ્યા હલ થવાની હૈયાધારણ આપવામાં આવી હતી. મેઘપર બોરીચીના સોસાયટી વિસ્તારોમાં વીડીથી પીવાનું પાણી આવે છે ને લગભગ આઠ કિલોમીટરથી વધુની લાઈનમાં ભંગાણ પડયું હતું તેની મરંમત બાદ અન્ય બે જગ્યાએ પણ ક્ષતિ સર્જાઈ હતી અને ત્યારપછી મોટર બળી જવાનો પણ પ્રશ્નો ઊભો થયો હતો, વીજળીનો પણ પ્રશ્ન છે તેના કારણે પીવાનાં પાણીનો સપ્લાય ન થતાં લક્ષ્મીનગર સહિતના વિસ્તારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો, જેના પગલે લોકો વિપક્ષના કોર્પોરેટર સાથે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પાણી વિભાગના જવાબદારોને રજૂઆત કરી હતી, લોકોની રજૂઆતને સાંભળીને બે દિવસમાં પીવાના પાણીની સ્થિતિ થાળે પડશે ત્યાર પછી નિયમિત સપ્લાય થશે તેવી ખાતરી લોકોને અપાઈ હતી. હાલના સમય મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટરમાં પીવાનાં પાણીની ગંભીર કટોકટી છે, ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં પાણી પુરવઠા બોર્ડમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ન મળતો હોવાથી અનેક વિસ્તારોમાં સપ્લાય ઉપર અસર પડી રહે છે. ખાસ કરીને આદિપુરને પણ વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતું પાણી પૂરતા પ્રમાણમાં નથી, કમિશનર તેમજ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સરકાર સુધી રજૂઆત કરે અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો આપવામાં આવે, તો જ તેનું સમાધાન થઈ શકે તેમ છે. અસહ્ય મોંઘવારી વચ્ચે લોકોને મોંઘા ભાવનાં ટેન્કરો લેવા પડી રહ્યાં છે. 

Panchang

dd