• ગુરુવાર, 04 જૂન, 2026

વાવણી શરૂ થાય ત્યારે જ કેનાલ બંધ કરાતાં ધરતીપુત્રોને પડતી મુશ્કેલી

ગાંધીધામ, તા. 3 : નર્મદા નિગમ દ્વારા કેનાલના સમારકામ માટે પાણી બંધ રખાયું છે. સરકાર દ્વારા બાંહેધરી અપાઈ છે, પરંતુ  નિગમ દ્વારા અલગ વાત કરાઈ રહી છે, ત્યારે આ મુદ્દે આજે રાપર અને ભચાઉ તાલુકાના ખેડૂતોએ આદિપુર સ્થિત નર્મદા નિગમની કચેરીએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. કચ્છ શાખા નહેરમાંથી  કચ્છ, પાટણ, બનાંસકાંઠા જિલ્લાના 261થી વધુ ગામના  ખેડૂતો સિંચાઈના પાણીનો લાભ લઈ રહ્યા છે. આ નહેર માત્ર ખેડૂતો  માટે જ નહીંપરંતુ સમગ્ર વિસ્તારના પશુધનમાનવ વસાહત માટે જીવનજરૂરી પાણીનો મુખ્ય આધારસ્તંભ છે.  વર્ષ 2017થી નર્મદાના નીર રાપર અને ભચાઉ તાલુકાની ધરતીને પાવન કરી રહ્યા છે, છતાં દર વર્ષે પાણી મેળવવા માટે ધરતીપુત્રોને સંઘર્ષ કરવો પડે છે. નર્મદા નિગમના અયોગ્ય આયોજન અને વહીવટના કારણે દર વર્ષે સમારકામ અને સફાઈ માટે કેનાલ બંધ કરવામાં આવે છે અને સમયસર ગુણવત્તાયુક્ત કામગીરી થતી ન હોવાનો આક્ષેપ ધરતીપુત્રોએ આવેદનપત્રમાં  કર્યો છે. વર્ષ 2018માં કેનાલમાં પડેલાં ભંગાણો હજુ સુધી જૈસે થે સ્થિતિમાં હોવાનું અને દર વર્ષે કેનાલ બંધ કરાતી હોવા છતાંય  જરૂરી સમારકામ હજુ સુધી કરાયું ન હોવાનું જણાવ્યું હતું. ખેડુતો વાવણી કરે ત્યારે જ કેનાલની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવતી હોવાથી ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું પત્રમાં જણાવાયું છે. સિંચાઈની ઓછી જરૂરિયાત હોય તેવા એપ્રિલ અને મે મહિનામાં સમારકામનું આયોજન કેમ ન કરાય તેવો સવાલ કરાઈ રહ્યો છે. હાલ કચ્છમાં વ્યાપક વિસ્તારમાં કપાસ, મગફળી, ઘાસચારા જેવા વાવેતરનો સમય છે, ત્યારે પાણી બંધ કરાતાં વાવેતરમાં વિલંબ સર્જાઈ રહ્યો છે. આજે આદિપુર સ્થિત સુપરિન્ટેન્ડેન્ટ ઈજનેર સમક્ષ રજૂઆત કરતા ખેડૂતોએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી પાણી શરૂ કરવાની ખાતરી આપે છે અને જે સમારકામો ચાલી રહ્યા છે, તેમાં પાણી વહેતું કરાય તો કોઈ નડતરરૂપ નથી, તો પાણી  કેમ  ચાલુ કરાતું નથી. સરકાર અને નિગમના  અલગ-અલગ મંતવ્યોથી સંકલનનો અભાવ હોવાનું ખેડૂતોએ આક્રોશ  સાથે  જણાવ્યું હતું. ખેડૂતોએ ત્વરિત કેનાલમાં પાણી છોડવા ભારપૂર્વકની માંગ કરી હતી. દરમ્યાન આ અંગે એસ.ઈ. અરમાન સાવલિયાએ કહ્યું હતું કે,   0થી 82 કિલોમીટરમાં સમારકામ ચાલુ છે, ત્યાંથી પાણી  કઈ રીતે વહન થઈ શકે છે તે અંગે પત્ર પાઠવાશે અને ત્યાર બાદ 82 કિ.મી.થી ચાલતા સમારકામ જેમ બને તેમ વહેલા પૂરા કરીને પાણી વહેતું કરવાના પ્રયાસ કરાશે તેવું જણાવ્યું હતું. 

Panchang

dd