કોલકાતા, તા. 3 : દોઢ દાયકા સુધી પશ્ચિચ બંગાળમાં
એકચક્રી શાસન કરનાર તૃણમૂલ કોંગ્રેસ પક્ષના બે કટકા થઈ ગયા છે. ચૂંટણીમાં કારમી હાર
પછી વધુ એક મોટા ઝટકાંરૂપે મમતા બેનર્જીના હાથમાંથી પક્ષનું સુકાન સરકી ગયું છે. સ્પીકર
રવીન્દ્રનાથ બોસે 59 વિદ્રોહી
ધારાસભ્યોનાં સમર્થનપત્રને સ્વીકારતાં પક્ષમાંથી બહાર કરાયેલા ઋતબ્રત બેનર્જીને વિપક્ષના
નેતા તરીકે અને બળવાખોર જૂથને અસલી પક્ષ તરીકે માન્યતા આપી હતી. સ્પીકરે ઋતબ્રતને કચેરીની
ચાવી પણ આપી દીધી હતી. તમામ 59 વિદ્રોહી
ધારાસભ્યે ઋતબ્રતને વિધાનસભા પક્ષના નેતા જાહેર કરતાં બુધવારે વિધાનસભા અધ્યક્ષ રવીન્દ્ર
બોસને મળીને સમર્થનપત્ર સોંપ્યું હતું. પક્ષની અંદર વિદ્રોહી જૂથની લગાતાર વધતી તાકાત
બતાવતાં તમામ વિદ્રોહી ધારાસભ્યો ચાલુ સત્રમાં ભાગ લેવા બસમાં બેસીને વિધાનસભામાં પહોંચ્યા
હતા. બંગાળની ચૂંટણીમાં તૃણમૂલે 80 બેઠક જીતી
હતી. હવે 56 ધારાસભ્યના બળવા બાદ મમતા પાસે
માત્ર 20 ધારાસભ્ય બચ્યા છે. જો કે, બળવાખોર જૂથે પોતાના પત્રમાં હજુ પણ મમતા બનેર્જીને
પક્ષના પ્રમુખ લેખાવ્યા છે, પરંતુ અભિષેક બેનર્જીના નેતૃત્વ અને
વિધાનસભા પક્ષ સાજે જોડાયેલા ફેંસલાઓને સ્વીકારી
રહ્યું નથી. પક્ષમાં આંતરિક વિદ્રોહ વચ્ચે મમતાએ બુધવારે રાજ્યની તમામ સમિતિ,
સંગઠનોનો ભંગ કરી નાખ્યો હતો. હવે આખા પક્ષના સંગઠનની પુન:રચના કરાશે.
તૃણમૂલના વિદ્રોહી ધારાસભ્યો વિપક્ષના નેતા મુખ્ય વ્હીપ જેવા પદનો લઈ શકે છે,
પરંતુ શિવસેના અને એનસીપીની જેમ પક્ષ પર અધિકાર અત્યારે તરત નહીં મેળવી
શકે. જો આવું થાય તો મોટા જૂથના દાવા પર ચૂંટણીપંચ ફેંસલો લઈ શકે. મામલો કોર્ટમાં પણ
જઈ શકે છે. જો કે, તેના માટે બે તૃતિયાંશ એટલે કે, 28માંથી 19 લોકસભા સાંસદના સમર્થનની પણ જરૂર પડશે. એ સિવાય સંગઠનના પદાધિકારીઓનું
વલણ પણ મહત્ત્વ ધરાવે છે. તેનાથી બચવા માટે મમતાએ પહેલાંથી જ તમામ સમિતિઓ ભંગ કરી નાખી
છે. બીજી તરફ, પક્ષપલટા વિરોધી કાયદા
હેઠળ કાર્યવાહીથી બચવા માટે કોઈ પણ વિદ્રોહી જૂથે બે તૃતિયાંશ એટલે કે, 54 ધારાસભ્યનું સમર્થન બતાવવું
પડે. આમ, 54થી વધુ ધારાસભ્ય
અલગ થાય તો એક નવો વિપક્ષ રચી શકે છે અથવા બીજા પક્ષમાં પોતાનો વિલય કરી શકે છે.