નવી દિલ્હી, 3 (પીટીઆઈ) : દક્ષિણ દિલ્હીના માલવિય નગર વિસ્તારમાં એક ભીડભાડવાળી
ગલીમાં ફાયર એનઓસી વગર ચાલતી એક હોટલમાં બુધવારે ભયાનક આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા
21 લોકો માર્યા ગયા હતા, જેમાં 18 વિદેશીનો પણ સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, માલવિય
નગરના હૌઝ રાનીમાં ફ્લોરિશ સ્ટે બી એન્ડ બીમાં આગ સવારે 8.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી
અને ઝડપથી પાંચ માળની સાંકડી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી,
જેમાં ફક્ત એક જ બહાર નીકળવાનો રસ્તો હતો. કાયમી ધોરણે સીલ કરેલી બારીઓ
અને સેન્સર સંચાલિત મુખ્ય દરવાજો હતો, જેને લીધે વધુ લોકો માર્યા
ગયા હતા. મૃત્યુઆંક વધે તેવી ભીતિ છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું
કે, ઓછામાં ઓછા 58 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલોમાં લઈ જવામાં
આવ્યા હતા જ્યાં 21 લોકોને મૃત
જાહેર કરવામાં આવ્યા હતા. હોટેલ આસપાસના મહોલ્લાના યુવાનો-લોકોએ જીવના જોખમે અનેકને
બચાવી લીધા હતા. ઉપરથી કૂદતા લોકો માટે નીચે ગાદલાં બીછાવવામાં આવ્યાં હતાં. મૃતકોમાં
10 ભારતીયોનો સમાવેશ થાય છે. શહેરમાં
તાજેતરના વર્ષોમાં થયેલી સૌથી ભયાનક આગમાં મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે, ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે. ઘણા મૃતકો
મધ્ય એશિયાઈ અને આફ્રિકન દેશોના છે. તેઓ થોડી જ દૂર મેક્સ હોસ્પિટલમાં દાખલ તેમના સંબંધીઓની
સંભાળ રાખવા માટે હોટેલમાં રોકાયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોટેલને દિલ્હી સરકારની બેડ એન્ડ બ્રેકફાસ્ટ નીતિ હેઠળ ફક્ત છ રૂમની પરવાનગી
હતી, પરંતુ તે 25 રૂમ ચલાવી રહી હતી. ભોંયરામાં પણ રૂમ બનાવવામાં આવ્યા હતા.અધિકારીઓએ
જણાવ્યું હતું કે, છ-સાત વર્ષ
પહેલાં સુધી આ ઇમારત ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ વન હતી. અધિકારીઓને જાણ કર્યા વિના વધારાના
માળ પાછળથી બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત, સંપૂર્ણ બિલ્ડિંગ પ્લાન
સબમિટ કરવામાં આવ્યો ન હતો. દિલ્હી પોલીસે બીએનએસની અન્ય સંબંધિત કલમો સહિત સદોષ હત્યાના
આરોપો હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. ઇમારતના માલિકની ઓળખ લવકેશ તરીકે કરવામાં આવી છે,
લાઇસન્સ જય મિશ્રાના નામે જારી કરવામાં આવ્યું હતું અને હોટેલના માલિકની
ઓળખ લોકેશ બજાજ તરીકે કરવામાં આવી છે, એમ સૂત્રોએ ઉમેર્યું. હજુ
સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. બનાવ અંગે જવાબદારી નક્કી કરવા ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ આગ લગાડવાની ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ માગ્યો હતો.
વધુમાં અધિકારીઓને ચેતવણી આપી હતી કે, જો કોઈ ચૂક સામે આવશે તો
આકરી કાર્યવાહી કરવામાં આવશે. - આગથી બચવા બાળક સાથે મહિલા
નીચે કૂદી : નવી દિલ્હી, તા. 3 : દિલ્હીના માલવિય નગરમાં બુધવારે સવારે એક હોટલમાં લાગેલી ભીષણ
આગથી બચવા માટે એક મહિલા પોતાના બાળકને હાથમાં લઈને ત્રીજા માળેથી કૂદી પડી હતી. બચાવના
પ્રયાસોના દુ:ખદ વીડિયો સામે આવ્યા છે, જેમાં ફસાયેલા લોકો બારીના કાચ તોડી રહેલા છે અને મદદ માટે પોકારી કરી રહેલા
દેખાય છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક રહેવાસીઓ ફાયરના કર્મચારીઓ પહોંચે તે પહેલાં
જ ફસાયેલા લોકોને બચાવવા દોડી આવ્યા હતા. ગાદલાની દુકાનના માલિકો અને અન્ય રહેવાસીઓએ
કૂદવાનો પ્રયાસ કરી રહેલા લોકોને બચાવવા માટે ઇમારતની નીચે રસ્તા પર ગાદલા ફેલાવી દીધા
હતા. પીટીઆઈએ એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને જણાવ્યું હતું કે, `સ્થાનિક રહેવાસીઓએ અંદર ફસાયેલા લોકોને
બચાવવા માટે નીચે જમીન પર ગાદલા પાથર્યા પછી, એક મહિલાએ નાના બાળકને લઈને ત્રીજા માળેથી કૂદી પડી હતી' તેને પગમાં ફ્રેક્ચર થયું હતું.