• સોમવાર, 30 માર્ચ, 2026

અમેરિકા જમીની હુમલાની તાકમાં, ઈરાને આક્રમક

નવી દિલ્હી,તા.29 : શાંતિ વાટાઘાટની આડમાં અમેરિકા ફરી એકવાર દગો કરે તેવી ઈરાનને શંકા છે. ઈરાનની સંસદનાં સ્પીકર મોહમ્મદ બઘેર ગાલીબાફે આરોપ લગાવતા કહ્યું છે કે, જાહેરમાં વાટાઘાટોનાં રાગ આલાપીને અમેરિકા ગુપચુપ રીતે ઈરાનમાં જમીની હુમલાની તૈયારી કરી રહ્યું છે. પણ અમારી મિસાઈલો તૈયાર છે અને તેમની રાહ જોઈએ છીએ. ઈરાનમાં અમેરિકી સેનાનાં જમીની હુમલાની આશંકાને પ્રબળ બનાવે તેવા ઘટનાક્રમમાં યુએસએસ ટ્રિપોલી નામક જહાજ મધ્યપૂર્વ ક્ષેત્રમાં પહોંચ્યું છે અને તેમાં 300 જેટલા સૈનિકો હોવાનાં અહેવાલ મળી રહ્યાં છે. સ્પીકરે કહ્યું કે અમારી મિસાઈલ અમેરિકી સૈનિકો માટે તૈયાર જ છે. આ યુદ્ધ જહાજમાં યુદ્ધવિમાન, હેલિકોપ્ટર સહિત સમુદ્રી હુમલાનાં સાધન-સરંજામો પણ હોવાનું કહેવાય છે.  બીજીબાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધને નરમ પાડવાનાં પ્રયાસમાં પાકિસ્તાન, તુર્કી, ઈજિપ્ત અને સાઉદી અરેબિયાનાં વિદેશમંત્રીઓ આજે  ઈસ્લામાબાદમાં મળ્યા હતાં અને ત્યાં મધ્યસ્થતાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.  ઈરાને અમેરિકાને મોટો ઝટકો આપતાં `અવેક્સ' વિમાનને તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. 27 માર્ચે યુએઈના પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલામાં અમેરિકી વાયુસેના માટે અતિ મહત્વ ધરાવતું ઈ-થ્રી સેન્ટ્રી અવાક્સ (એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ) વિમાનને ભારે નુકશાન પહોંચ્યું હતું. આ વિમાનની કિંમત 6600 કરોડ રૂા. જેટલી છે. આ હુમલામાં હવામાં ઈંધણ  ભરતા અનેક ટેન્કર વિમાન પણ ચપેટમાં આવ્યા હતા. 10 સૈનિક ઘાયલ થયા હતા જેમાંથી બેની  હાલત ગંભીર  ગણાવાઈ રહી છે. અમેરિકાએ આ હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. દરમિયાન ઈરાનની રાજધાની તહેરાનમાં ઈરાન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પર પ્રચંડ હુમલામાં બાદ ઈરાને હવે મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલની યુનિવર્સિટીઓને નિશાન બનાવીને હુમલા કરવાની ધમકી આપી છે. તો યમનનાં વિદ્રોહી હુથીઓએ ઈઝરાયલ ઉપર મિસાઈલ અને ડ્રોનથી બીજીવાર હુમલો બોલાવ્યો હતો. હુથીએ ઈઝરાયલ ઉપર આ હુમલા જારી રાખવાની ચેતવણી પણ આપી હતી. ઈરાને જોર્ડનમાં અમેરિકી વાયુદળના બેઝ પર હુમલો કર્યો હતો. ઈરાની મીડિયાના દાવા મુજબ અઝરાકમાં સાલ્તી એરબેઝ પર હુમલો કરાયો હતો. ઈરાન દ્વારા ઈઝરાયલના બેરશેબા સ્થિત નિયોટ હોવાવ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં હુમલા બાદ આગ ભડકી હતી દરમ્યાન, ઈઝરાયલી સેનાએ દક્ષિણી લેબોનોનમાં પોતાની જમીની કાર્યવાહી આગળ વધારતાં લિતાની નદી તરફ આગેકૂચ કરી હતી.

Panchang

dd