• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

`જોજો, ગ્રાન્ટના અભાવે કામ ન અટકે'

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યના વિકાસ માટે કરવામાં આવતાં બાંધકામ કામોની ગુણવત્તા અંગે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં સબંધિત વિભાગોના વડાઓને કડક તાકીદ કરી હતી. આ ઉપરાંત રાજ્યના લોકોના હિતમાં વિકાસકામો માટે ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકવું ન જોઈએ તે અંગે પણ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોને સૂચના આપી છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહેમદાબાદથી મહુધા માર્ગ રૂા. 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. નાગરિકોને સરળતા અને પરિવહન વ્યવસ્થા સુલભ કરાવવા માટે તૈયાર થયેલો આ માર્ગ 1 વર્ષમાં ખરાબ થયો હોવાની ફરિયાદ સરકારને મળી હતી. આ બાબતને ગંભીરતાથી લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગના સચિવને આ માર્ગ તાત્કાલિક અસરથી વ્યવસ્થિત તૈયાર કરાવવા સૂચના આપીને  સંબંધિતો સામે તપાસ પણ સોંપવામાં આવી છે. તેમણે કહ્યું  હતું કે, મુખ્યમંત્રી દ્વારા અપાયેલી સૂચના અનુસાર તમામ બાંધકામો પર ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. આમ છતાં કયાંક ક્ષતિ રહી જતી હોય તો તાત્કાલિક અસરથી દુરસ્ત કરવા અને ગંભીર ક્ષતિના કિસ્સામાં કસૂરવાર સામે કડક પગલાં ભરવાં સૂચના આપવામાં આવી છે. પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારને ધ્યાનમાં આવ્યું છે કે, કેટલીક વાર નાગરિકોને ગ્રાન્ટ ન હોવાનું કહીને કામો કરવામાં આવતા નથી. આ બાબત પર કડકાઇથી તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી છે કે, ગ્રાન્ટના અભાવે કોઇ કામ અટકવું ન જોઇએ. 

Panchang

dd