ભુજ, તા. 22 : રાજ્યના ઉપમુખ્યમંત્રી અને
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમની ભુજયાત્રા દરમ્યાન `કચ્છમિત્ર ભવન'ની મુલાકાતને અવિસ્મરણીય લેખાવી આ મુલાકાતને એક વિશેષ અનુભૂતિ સમાન કહી હતી.
શ્રી સંઘવીએ સોશિયલ મીડિયા `એક્સ' પર કચ્છમિત્રની
મુલાકાત વિશે એક વિશેષ પોસ્ટ મૂકી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ઉપમુખ્યમંત્રીએ પોસ્ટમાં
જણાવ્યું હતું કે, કચ્છમિત્ર
સમાચારપત્ર કાર્યાલયે જવાનો અવસર મળ્યો અને ત્યાં વર્ષો જૂના અનુભવી પત્રકારોને મળવાની
તક મળી. તેમના અનુભવભર્યા શબ્દોમાંથી કચ્છની સંઘર્ષથી સફળતા સુધીની અસાધારણ સફર ફરી
એક વખત જીવંત થઈ ઊઠી હતી. કચ્છમિત્ર ભવનના વિવિધ વિભાગોની મુલાકાતની તસવીરો સાથેની
પોસ્ટમાં તેમણે કહ્યું કે, ગુજરાતની કચ્છી માટી કેટલી સખત અને
કચ્છના લોકોનો સંકલ્પ કેટલો અડગ છે તે પત્રકારો સાથેની વાતચીતમાંથી સ્પષ્ટ અનુભવાયું
હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કચ્છને નિરાશાના પડછાયામાંથી શક્યતાઓના શિખર સુધી
લઈ ગયેલી યાત્રા વિશે સંભારણા ભરેલી ઘણી વાતો સાંભળવા મળી હતી. તેમણે લખ્યું કે,
પત્રકારોએ યાદ કરાવ્યું હતું કે, વિનાશકારી ભૂકંપ
બાદ જ્યારે આખું કચ્છ અંધકારમય હતું, ત્યારે મોદી સાહેબ બાઈક
પર બેસીને ગામેગામ પહોંચી રહ્યા હતા. દિવસ-રાત તંબુમાં રહીને રાહતકાર્ય, પુનર્નિર્માણ અને લોકોમાં નવસર્જનની આશા જગાવવાની તેમની અદ્ભુત સહનશક્તિ આજે
પણ સૌને પ્રેરે છે. તેમણે એક વરિષ્ઠ પત્રકારના શબ્દ ટાંકીને જણાવ્યું કે, નરેન્દ્રભાઈએ કચ્છનું જબ્બર પરિવર્તન કર્યું છે.