• મંગળવાર, 01 જુલાઈ, 2025

વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું

અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદમાં 12મી જૂને વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું કરુણ મૃત્યુ થયું હતું. હવે આ દુર્ઘટનાના 70 કલાક બાદ તેમનું ડીએનએ મેચ થયું હોવાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. સદગત વિજ્ય રુપાણીની અંતિમવિધિ આવતીકાલ સોમવારે રાજકોટમાં કરવામાં આવશે.  આ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે મુસાફરોના ડીએનએ માચિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.  વિજય રુપાણીનું ડીએનએ મેચ થઇ ગયું છે. દરમિયાન રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્વ. વિજયભાઈ રૂપાણીનાં ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પરિવાર સાથે વાત કરી સાંત્વના આપી હતી. સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલની સાથે હર્ષભાઇ સંઘવી ઉપરાંત, જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગતરોજ વિજય રુપાણીના પુત્ર ઋષભ રુપાણી લંડનથી આવી પહોંચ્યા  હતા. ડીએનએ મેચ થતાં હવે પૂર્વ સી.એમ. વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે. રાજકોટ ખાતે તેમની અંતિમ વિધિ કરાશે. સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિમાં ભૂપેન્દ્રભાઈ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી રાજકોટ જશે. સંગઠન મહામંત્રી, આગેવાનો, નેતાઓ અંતિમવિધિમાં જોડાશે. પંજાબથી પણ રાજકીય આગેવાનો રાજકોટ આવશે. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી મંત્રીઓ અંતિમ વિધિમાં રાજકોટ આવશે. - રાજકોટમાં કરાશે અંતિમ વિધિ : સ્વ. વિજય રુપાણીના અંતિમ દર્શન માટેની તડામાર તૈયારીઓ રાજકોટમાં ચાલી રહી છે. સદગતના આત્માની શાંતિ માટે એક પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. વિજય રુપાણીના રાજકોટ સ્થિત પ્રકાશ સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાને પણ દોડધામ મચેલી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અણધારી વિદાયથી સમગ્ર રાજકોટ શોકમગ્ન છે. સમગ્ર શહેરમાં સ્વ. વિજય રુપાણીને શ્રદ્ધાંજાલિ પાઠવતા પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં વિજ્યભાઈના ફોટો લગાડવા ઉપરાંત આ દુર્ઘટનામાં કરુણ મૃત્યુ પામેલા તમામને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવાઈ છે. સોમવારે સાંજે પાંચ વાગ્યે અંતિમવિધિ બાદ મંગળવારે રાજકોટમાં શોકસભા યોજવામાં આવશે. રાજકોટ બાદ ગાંધીનગર ખાતે પણ બુધવારે શોકસભાનું આયોજન કરાયું છે.  

Panchang

dd