તેલ અવીવ/તેહરાન, તા. 15 : ઈઝરાયલ અને
ઈરાનનું યુદ્ધ ખતરનાક વળાંક પર આવીને ઊભું છે. એક તબક્કે ઈઝરાયલના પ્રહારોથી કંપી ઊઠેલા
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ શરણાગતિ જેવા સંકેતમાં એવું નિવેદન આપ્યું હતું
કે, ઈઝરાયલ હુમલા અટકાવશે તો અમે પણ શાંતિનો માર્ગ
અપનાવશું, પણ ત્યારબાદ બંને દેશ વચ્ચે સામસામા તીવ્ર હુમલા થયા
હતા. ઈઝરાયલે તેહરાનમાં રહેણાક વિસ્તારમાં એક ઈમારતમાં કરેલા હુમલામાં 20 બાળક સહિત કમસેકમ 60 જણનાં મૃત્યુ થયાં હતાં, તો ઈરાને પણ ઈઝરાયલ પર હાઈફામાં તેલ રિફાઈનરી
સહિત 150 સ્થળે મિસાઈલો વડે હુમલા કર્યા
હતા. દરમ્યાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે
ફોન પર વાતચીત કરી હતી અને ઇઝરાયલ તથા ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા મુદ્દે ચર્ચા થઈ હતી.
મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેનનું ઘર્ષણ પણ સમાપ્ત થવો જોઈએ.
ટ્રમ્પે એવું પણ નિવેદન આપ્યું હતું કે, ભારત-પાકિસ્તાનની જેમ
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શાંતિ સ્થપાશે. એક માનવાધિકામ ગ્રુપે દાવો કર્યો હતો કે,
ઈઝરાયલના હુમલાથી ઈરાનમાં કમસેકમ 406 જણ માર્યા ગયા છે અને 654 ઘવાયા છે. ઈઝરાયલના જણાવ્યા
અનુસાર ઈરાને 270થી વધુ મિસાઈલો છોડી હતી, જે પૈકી 22 મિસાઈલ એર ડિફેન્સ કવચ ભેદીને
ત્રાટકી હતી, જેમાં 14 જણ માર્યા ગયા હતા તેમજ 390 ઘવાયા હતા. જો કે, શનિવારની રાતભર તેમજ રવિવારે પણ બે દેશની સેનાઓમાં
સામસામું ભીષણ ઘર્ષણ જારી રહ્યું હતું. ઇઝરાયલે ઇરાની નાગરિકોને સૈન્ય વિસ્તારો ખાલી
કરવા ચેતવણી આપી હતી. ઇઝરાયલી દળોના હુમલા સતત જારી રહ્યા હતા. તેહરાનમાં કાશ્મીરી
વિદ્યાર્થીઓ ઘાયલ થઇ ગયા હતા. ઇઝરાયલે તેહરાન અને બુશહરમાં તેલ ડેપો અને ગેસ રિફાઇનરી
સહિત અનેક ઠેકાણાં પર હુમલા કર્યા હતા. સાથોસાથ તેહરાનમાં સંરક્ષણ મંત્રાલય પર પણ નિશાન
સાધીને હુમલો કર્યો હતો. ઇરાને ઇઝરાયલ પર ભયંકર પલટવાર કરતાં બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો
કરીને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કૈસરિયા વિલા તેમજ હદેશ પાવર પ્લાન્ટ ઉડાવી દીધા
હતા. ઇઝરાયલ સંરક્ષણ દળ (આઇડીએફ)ના કર્નલ અવિચય અદ્રીએ `એક્સ'
પર કહ્યું હતું કે, સૈન્ય હથિયારોની ફેક્ટરીઓ પાસેના
વિસ્તારો ઇરાની નાગરિકો ખાલી નહીં કરે તો તેમના માટે ખતરનાક સ્થિતિ સર્જાઇ શકે છે.
ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને કહ્યું હતું કે, ઇઝરાયલી હુમલા
જારી રહેશે ત્યાં સુધી અમે અમેરિકા સાથે પરમાણુ સંધિ પર વાતચીત કરવાના નથી. ઇરાને ઇઝરાયલના
હાઇફામાં તેલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો. જો કે, તેમાં ભારતના
દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી જૂથના બંદરગાહને કોઇ જાતનું નુકસાન
થયું નહોતું. દરમ્યાન, ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ અનુસાર ઉત્તર
ઇઝરાયલમાં એક ઘરની નજીક થયેલા ઇરાની મિસાઇલ હુમલામાં ત્રણ મહિલાનાં મોત થઇ ગયાં હતાં,
તો 130થી વધુ ઘાયલ
થયા હતા.