અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને 21મીના બુધવારે સવારે મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં ખાસ કરીને (1) રાજ્યભરમાં જિલ્લાવાર શાળાઓમાં
22,000થી વધુ શિક્ષક, વિધા-સહાયકો અને જ્ઞાન સહાયકોની ખાલી જગ્યાઓ
ઉઘડતી શાળા અગાઉ તાત્કાલિક ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ઉપરાંત કમોસમી વરસાદને
કારણે જે કેળા-કેરી જેવા બાગાયતી પાકો અને તલ-ડાંગર જેવા પાકોને જે ભારે નુકસાન થયું
છે, તેનો તાત્કાલિક સર્વે કરવો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની
બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં તેમનો એક કાર્યક્રમ ગાંધીનગર મહાત્મા મંદિર
ખાતે અને બીજો કાર્યક્રમ અમદાવાદમાં રોડ-શો રૂપે થવાનો છે, ત્યારે
તેની તૈયારીઓ બાબતે નિર્ણય લોવામાં આવ્યા હતા.જણાવા મળ્યા મુજબ રાજ્યભરમાં જૂનથી શાળાઓ
ખુલવાની શરૂઆત થશે, ત્યારે સરકાર માટે સૌથી પરેશાન કરતો મુદ્દો
તો પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક
શાળાઓમાં શિક્ષકો, વિધા-સાહયકો અને તેમનાં સ્થાને મૂકાતા જ્ઞાની સહાયકોની ખાલી જગ્યાઓ છે. તાજેતરમાં વિધાનસભાના
બજેટ સત્ર દરમ્યાન પણ વિપક્ષ દ્વારા શિક્ષકોની ખાલી જગ્યાઓ બાબતે સરકારને બરાબરની ભીંસમાં
લેવાઈ હતી. એક તબક્કે તો, વિપક્ષ દ્વારા રાજ્યમાં શિક્ષકોની ખાલી
જગ્યાઓ 40,000 કરતાં પણ વધુ હોવાનો આક્ષેપ
કરવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં હવે મુખ્યમંત્રીએ, મંત્રી મંડળની બેઠકમાં જૂન-2025માં શાળાઓ ખુલવાની શરૂઆત થાય
તે પહેલાં એટલે કે અત્યારથી જ શિક્ષકોની ખાલી જગ્યાઓની જિલ્લા-તાલુકા, શહેરવાર વિગતો મેળવીને આ ખાલી જગ્યાઓ ભરવા અંગે
શિક્ષણ મંત્રી અને તેમના વિભાગના ઉચ્ચાધિકારીઓને
ખાસ આદેશ કર્યો છે. આ ભરતી પ્રક્રિયામાં કઈ કેટરમાં કોને પ્રાથમિકતા આપવી તે બાબતે
પણ શિક્ષણ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે.એવી જ રીતે મંત્રીમંડળની બેઠકમાં તાજેતરના
કમોસમી વરસાદ દરમ્યાન જે કેળા અને કેરી, તલ અને ડાંગર સહિતના
ઉનાળું પાકને જે જે જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતો તારાજ થયા
છે. તે અંગેની વિગતો મેળવીને તેનો તાત્કાલિક સર્વે કરવાની પણ મુખ્યમંત્રીએ સૂચના આપી
છે. જો કે, આ દરમ્યાન આગામી દિવસોમાં ગુજરાતના કાંઠાળ જિલ્લાઓમાં
વાવાઝોડાંની પણ આગાહી કરાઈ રહી છે, ત્યારે તેના આગોતરાં પગલાં
ભરીને આવા વાવાઝોડાંમાં પણ જો, ખેતી, પાક
કે ખેતીની જમીનને કોઈ સંભવિત નુકસાન થાય, તો તેને પણ આ સર્વેમાં
આવરી લેવા અને આવા નુકસાનીગ્રસ્ત ખેડૂતોને ઝડપભેર તેનું વળતર ચૂકવાઈ જાય તે માટેની
સૂચનાઓ આપવામાં આવી છે.