આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 24 : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા હિચકારા આતંકવાદી
હુમલાને વખોડી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતો પ્રસ્તાવ પારિત કરવા સાથે જ કૉંગ્રેસ
કાર્યકારી સમિતિએ શુક્રવારે દેશભરમાં આ હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજવાની હાકલ
કરી હતી. કૉંગ્રેસ સમિતિના પ્રસ્તાવમાં આ હુમલાને પાકિસ્તાન પ્રેરિત કાયરતાપૂર્ણ આતંકવાદી
હુમલો કહી એમાં મૃત્યુ પામનારાઓના પરિવારો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરીને આ દુ:ખમાં
સાથે હોવાનું કહ્યું હતું. કૉંગ્રેસના પ્રસ્તાવમાં આ હુમલાને ભારતની લોકશાહી પર ઘાત
સમાન ગણાવ્યો હતો. કૉંગ્રેસના પ્રસ્તાવમાં વધુમાં કહેવાયું હતું કે આતંકવાદીઓએ હિંદુ
પ્રવાસીઓ પર હુમલો કરીને ભારતમાં ધાર્મિક ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો એ ઘોર
નિંદનીય છે, આ દુ:ખની પળોમાં પણ ભારતની જનતાએ ધૈર્ય, શાંતિ અને એકતા જાળવીને દુશ્મનોના ઇરાદા ધ્વસ્ત કર્યા છે. આપણે એકતા જાળવી
રાખીને સીમા પારના આતંકવાદને જડબાતોડ જવાબ વાળીશું. પ્રસ્તાવ પારિત કરાયા બાદ કૉંગ્રેસના
મહામંત્રી કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે આતંકવાદી હુમલાનો વિરોધ કરવા,
મૃતકો પ્રત્યે સંવેદના દર્શાવવા અને દેશની એકતા મજબૂત કરવા શુક્રવાર,
પચીસ એપ્રિલે દેશભરમાં કેન્ડલ માર્ચ યોજાશે, એમાં
દેશના નાગરિકોને જોડાવા આહ્વાન છે. કૉંગ્રેસ
કારોબારીની બેઠકમાં પહલગામ હુમલાના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને કેટલાક
ઘાયલોને ખભે બેસાડીને હૉસ્પિટલે પહોંચાડનારા ઘોડાવાળા અને ટૂરિસ્ટ ગાઇડ તેમ જ રાહત
અને બચાવ કાર્યમાં મદદ કરનારા સ્થાનિક લોકોને માનવતા અને એકતાના સંદેશવાહકો ગણાવ્યા
હતા. હાઇ સિક્યોરિટી ઝોન અંતર્ગત કાશ્મીરમાં સુરક્ષાની જવાબદારી કેન્દ્ર અને કેન્દ્રીય
ગૃહ મંત્રાલય હસ્તક છે છતાં પહલગામમાં સુરક્ષામાં ચૂક પ્રત્યે કૉંગ્રેસના પ્રસ્તાવમાં
ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કૉંગ્રેસે આ સુરક્ષા ચૂકની નિષ્પક્ષ તપાસની માગ પણ કરી
છે. હવે અમરનાથ યાત્રાનો પણ ટૂંક સમયમાં પ્રારંભ થશે તેથી આવી અનિચ્છનીય ઘટનાઓ નિવારવા
સમગ્ર ક્ષેત્રમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાની
માગણી કૉંગ્રેસના પ્રસ્તાવમાં કરાઈ છે.