નવી દિલ્હી, તા.15 : કાળઝાળ ગરમી-લૂના વાયરાનો દોર હવે પૂરો થવામાં છે. દેશમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે પણ ત્યારબાદ તેની ગતિ ધીમી થઈ ગઈ છે, પણ રાહત થાય એવા એક અહેવાલમાં દેશમાં આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ સામાન્યથી પણ વધુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ભારતમાં ચોમાસા અંગે અમેરિકી હવામાન વિભાગે ગૂડ ન્યૂઝ આપતાં આગાહી કરી છે કે અલ નીનોની અસર ખતમ થઈ ચૂકી છે. જેને પગલે ભારતમાં ચોમાસું ખૂબ સારું રહેશે. બે મહિના ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહત્ત્વના બની રહેશે. ભયંકર ગરમીનો સામનો કરી રહેલા ભારતવાસીઓને ટૂંક સમયમાં વરસાદ રૂપી રાહત મળશે. પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સંભાવના છે. જેથી ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન વરસાદ ખૂબ સારો રહેશે. ભારતના વરિષ્ઠ હવામાન શાત્રી અને પૂર્વ સચિવ એમ.રાજીવને કહ્યું કે અમેરિકાનું ભારત માટે તાજેતરનું પૂર્વાનુમાન ચોમાસા માટે સારો સંકેત છે. ઓગસ્ટમાં ભલે લા નીનાની સંભાવના હોય તેમ છતાં એ સમય દરમિયાન તાપમાનમાં જે બદલાવ આવે છે તે પહેલાથી જ બનવા લાગ્યું છે. અમેરિકી રાષ્ટ્રીય મહાસાગરીય અને વાયુમંડળીય પ્રશાસનએ જણાવ્યું કે, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન લા નીના બનવાની સંભાવના 6પ ટકા છે. અમેરિકી એજન્સીની આગાહી ભારતીય હવામાન વિભાગની આગાહીને અનુરૂપ આવી છે. જેમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશથી 6 ટકા એટલે કે 106 ટકા દીર્ઘકાળના સરેરાશ વરસાદની આગાહી છે. સીઝનના બીજા ભાગમાં વરસાદનું જોર વધુ રહેશે.