• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ક્રિકેટમાં ભારતનો તપતો સૂર્ય

ભારત અને શ્રીલંકાની ધરતી પર સંયુક્ત રીતે યોજાઈ રહેલા ટી-20 ક્રિકેટ વિશ્વકપનો પ્રારંભ રોમાંચક રહ્યો છે. ક્રિકેટના સૌથી નાનાં સ્વરૂપની સ્પર્ધામાં 20 ટીમ ભાગ લઈ રહી છે. આયર્લેન્ડ, સ્કોટલેન્ડ કે ઓમાન જેવી ટીમ હજુએ જાણીતી લાગે, પણ નેપાળ, ઈટાલી, નામીબિયા જેવા દેશો આ રમતમાં વિશ્વકપ જીતવા ઊતરે એ ક્રિકેટના વિસ્તાર અને વધતી લોકપ્રિયતાનું પ્રમાણ છે. અમેરિકા રગ્બી અને સોકર કેન્દ્ર દેશ છે. એની ટીમ પણ સતત બીજાં વર્ષે ભાગ લઈ રહી છે. ગયા વખતે પોતાના-હોમ ગ્રાઉન્ડ પર અમેરિકાએ પહેલી જ મેચમાં પાકિસ્તાનને છક્કડ ખવડાવી હતી. આ વખતે શનિવારે મુંબઈનાં વાનખેડે મેદાન પર સૂર્યકુમાર યાદવ વહારે ન આવ્યો હોત તો અમેરિકાં નામે બીજું મહાપરાક્રમ ચડી ગયું હોત. ભારતે એક તબક્કે 46 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પણ અનુભવ અને નંબર એક ટીમ તરીકે દબાણ ઝીલવાની સ્કિલ પાસે અમેરિકનોનો બિનઅનુભવ લાચાર બની ગયો છે. અમેરિકાની ટીમનું જુસ્સાદાર પ્રદર્શન આવ્યું એ જ રીતે નેધરલેન્ડ અને નેપાળે શાનદાર લડત આપીને ધ્યાન ખેંચ્યું છે. નેધરલેન્ડ પાકિસ્તાન સામેની મેચ જીતવાની અણીએ હતું. જો એક કેચ ડ્રોપ ન થયો હોત તો સ્પર્ધાની કહાણી જુદી જ હોત. નેપાળે પણ ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડની ધરખમ ટીમને હતપ્રભ કરી દીધી હતી. નિ:સંદેહ ક્રિકેટને લોકપ્રિય બનાવવાના આઈસીસીના પ્રયાસો સફળ થઈ રહ્યા છે. જરૂર છે મોટું પ્લેટફોર્મ મેળવનાર ટીમોને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ તક આપવાની. આ કામ ઊભરતી ટીમો વચ્ચે વધુ મેચોનાં આયોજનથી થઇ શકે. નવોદિત ટીમની હાજરી આમ તો પ્રસ્થાપિત ટીમો માટે વોર્મઅપ મેચની ભૂમિકા ભજવતી હોય છે. એટલે જ આ વિશ્વકપમાં બેબી ટીમોનો દેખાવ રોમાંચ આપી ગયો છે. ક્રિકેટની લોકપ્રિયતા વધારવામાં અભિષેક શર્મા, સૂર્યકુમાર જેવા મોટા ફટકાબાજનું યોગદાન છે. એક સમયે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ કે વેસ્ટ ઈન્ડિઝ જેવા દેશમાં સૌથી ઉત્કૃષ્ટ ક્રિકેટરો પાકતા. હવે એ સ્થાન ભારતે લીધું છે. ત્રણે ફોર્મેટમાં મહદ્અંશે જુદી ટીમો છે અને ભારતની એ કે બી ટીમ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગમે તેને પરાજય આપવા સક્ષમ ખેલાડીઓની બનેલી છે. હાલમાં જ અન્ડર-19 ટીમે છઠ્ઠીવાર વન-ડે વિશ્વકપ જીત્યો. આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી જેવા ખેલાડીઓ સ્ટાર બની ગયા છે. 14 વર્ષના વન્ડરબોય વૈભવની સ્ટોરીથી દુનિયા અચંબિત છે. સપનાં જોવાની નાની વયે વૈભવ પોતે સુપરસ્ટાર બની ગયો છે. વૈભવમાં રાહુલ ડ્રવિડ જેવો સંયમ, વીરેન્દ્ર સેહવાગ જેવો વિસ્ફોટક અંદાજ, વિરાટ કોહલી જેવી રમતની સમજ અને સચિન તેંડુલકર જેવી રનોની ભૂખ રહેલી છે. ઈંગ્લેન્ડ સામેની ફાઈનલમાં માત્ર 80 દડામાં 175 રનની વિસ્ફોટક ઈનિંગ્સ સાથે અનેક વિક્રમોએ રચાયા. તેણે દોઢસો રન તો ઊભા  ઊભા જ ઠોકી દીધા, જેમાં 15 ચોગ્ગા અને 15 સિક્સરનો સમાવેશ થાય છે. મ્હાત્રે અને વૈભવ જેવા ખેલાડીઓ હજુ  જુનિયર સ્તરે છે. સિનિયર ટીમના એ અનેક ખેલાડી ક્યારે ટર્ન આપે તેની વાટ જોઇ બેઠા છે. ગાવસ્કર અને કપિલ દેવની નિવૃત્તિ વખતે ચિંતા હતી કે, એમની ખોટ કેમ પૂરાશેઆવી જ ચિંતા સચિન તેંડુલકર, અનિલ કુંબલે, ધોની વખતે થઇ, એ પછી ટેસ્ટમાં રોહિત-વિરાટની નિવૃત્તિએ પણ વમળો સર્જ્યા... હકીકત એ છે કે, ટીમ ઇન્ડિયા આજે પણ મજબૂતાઇથી જીતનું અભિયાન આગળ ધપાવી રહી છે. આ આપણી તાકાત છે. ટી-20 વિશ્વકપમાં વિજયની અપેક્ષા રાખીએ. 

Panchang

dd