• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામ : બે દરોડામાં 23.19 લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 10 : આ શહેરમાં બે જુદી-જુદી જગ્યાએ પોલીસે દારૂ અંગેની કાર્યવાહી કરીને  કુલ રૂા. 23,19,925નો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડયો હતો. જો કે, આ બંને કાર્યવાહી દરમ્યાન બે પૈકી એકેય આરોપી પોલીસના સકંજામાં આવ્યા નહોતા. પૂર્વ કચ્છ એલસીબીની એક ટીમ મોડવદર પુલ બાજુ હતી, તેવામાં પીકઅપ મેક્સ ડાલુ નંબર જી.જે.-07-ટી.યુ.-7418 શંકાસ્પદ લાગતાં તેને રોકાવવાની કોશિશ કરાતાં વાહનચાલકે પોતાનું વાહન આગળ હંકારી દીધું હતું. પોલીસે તેનો ગુડઝ રોડ, ટાગોર રોડ, જીઆઇડીસી પછી સેક્ટર-પાંચ રામાપીરના મંદિર તરફ જતાં રોડ સુધી પીછો કર્યો હતો. દરમ્યાન આગળ રોડનું કામ ચાલતું હોઇ આરોપીની ગાડી આગળ વધે તેમ ન હોવાથી તેણે ત્યાં  જ ગાડી ઊભી રાખી  દીધી હતી અને નાસી ગયો હતો. આ ગાડીમાંથી પોલીસે રોયલ  સ્ટેગ 750 એમએલની 204 બોટલ, રોયલ ચેલેન્જની 750 એમએલની 840 બોટલ, ઓલ સિઝનની 262 બોટલ તથા કિંગફિશર બિયરના 576 ટીન અને મિલ્લર એસ પ્રીમિયમ બિયરના 336 ટીન એમ કુલ 1306 બોટલ912 ટીન કિંમત રૂા. 19,24,640નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલી તમામ બોટલો પરથી બેચ નંબર છેકી નાખવામાં આવ્યા હતા. આ દારૂ કોણ લાવ્યો હતો ? કોણે મોકલાવ્યો અને કોણે મગાવ્યો હતો તે કોયડો બની ગયો છે. તેને પોલીસ ઉકેલી શકશે કે કેમ તે પ્રશ્ન છે. વધુ એક કાર્યવાહી શહેરના ખોડિયાર નજીક ટ્રાન્સપોર્ટ નગરમાં કરવામાં આવી હતી. અહીં રહેનાર તૈયબ ઓસમાણ રાયમા નામનો શખ્સ દારૂ વેચતો હોવાની પોલીસને સચોટ બાતમી મળી હતી. પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસ અહીં પહોંચી હતી. પોલીસ આવતી હોવાની આ શખ્સને ગંધ આવી ગઇ હોય તેમ તેણે મકાનનો અડધો દરવાજો ખુલ્લો રાખી પોતે ક્યાંક અદૃશ્ય થઇ ગયો હતો અને ઘરે હાજર મળ્યો ન હતો. તૈયબના કબજાના આ મકાનમાંથી એન્ટિક્યુટીની 43 બોટલ, રોયલ ચેલેન્જની છ, રોયલ સ્ટેગની 10, ઓલ સિઝનની 6, 8પીએમના 75 ક્વાર્ટરિયા, મેકડોવેલ્સના 192 ક્વાર્ટરિયા, ઓલ્ડમોન્કના 480 ક્વાર્ટરિયા તથા ઓલ્ડમોન્કની 375 એમએલની 168 બોટલ એમ કુલ્લ રૂા. 3,95,285નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. આ આરોપી સામે અગાઉ એસએમસીએ પણ કાર્યવાહી કરી હતી. જેમાં પણ લાખોનો દારૂ ઝડપાયો હતો તેવું સૂત્રોએ જણાવી મોટા દારૂના જથ્થાની હેરફેર, સંગ્રહ કરનારા શખ્સો સામે પાસાની કાર્યવાહીની માંગ ઊઠી હતી. 

Panchang

dd