નલિયા, તા. 10 : અબડાસા તાલુકાના મોથાળા હાઇવે
પર ચારરસ્તા પાસે જંગલખાતા માટે અનામત રખાયેલી કિંમતી જમીન પર દબાણ કરી ગેરકાયદે બાંધકામ
કરી દેવાયેલા 10થી વધુ બાંદકામ આજે વહીવટી તંત્ર દ્વારા
તોડી પાડવામાં આવતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. મોથાળા સર્વે નં. 1056 અને 1065/2 પૈકીની સરકારી જમીન જે જંગલખાતા
માટે અનામત રાખવામાં આવી છે. અહીં અનેક દબાણકારોએ પાકાં બાંધકામ કરી જમીન પર પેશકદમી
કરી હતી. લાંબા સમયની નોટિસો આપવા છતાં જમીન ખાલી નહીં થતાં આખરે આજે મામલતદાર કચેરીના
અધિકારીઓ તથા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 10 બાંધકામ પર બુલડોઝર ફર્યું હતું. થોડા સમય પહેલાં અબડાસાના હાઇવે
પરના તમામ દબાણ તૂટયાં ત્યારે અહીં પણ જમીન
ખાલી કરાવાઇ હતી, તે પૈકી ફરીથી
બાંધકામ ચણી દેવાતાં તંત્રે ધાક બેસાડતી આજે બપોરે કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક ઇ.ચા.
મામલતદાર ટી. એચ. વ્યાસ, નાયબ મામલતદાર આર. વી. બારોટ,
સર્કલ ડી. સી. ઠાકોર, બી. બી. સોલંકી, તલાટી યુ. એમ. રાઠોડ, પી.આઇ. વી. એમ. ઝાલા, પોલીસ ઇન્સ. જે. કે. બારિયા,
આર. ડી. બેગડિયા, કે. વી. ડાંગર, વનતંત્રના બી. એચ. કોલી, એમ. જે. ગોરાણી, માર્ગ વિભાગ ભુજ અને વીજતંત્રના કે. એન. આહીર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તની
હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી તેવું એક યાદીમાં જણાવાયું હતું.
સરકારે અનામત જંગલની જમીનમાં 10 જેટલાં દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. આ બાબતે મામલતદાર
કચેરી, અબડાસા ખાતે જમીન મહેસૂલ કાયદા તળેનો કેસ ચલાવી
સામાવાળાઓ પાસે મંજૂરી અને જમીનના આધાર-પુરાવાઓ ન હોતાં ગુજરાત સરકાર અનામત જંગલ પૈકીની
જમીનમાં બિનઅધિકૃત બાંધકામ કર્યાનું સાબિત થતાં મામલતદારના હુકમથી દબાણ દૂર કરવાની
કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ દૂર કરવા
મશીનરીનો ઉપયોગ કરાયો હતો. દબાણ દૂર કરવા સમયે દબાણવાળી જગ્યાએ વીજ જોડાણ કોઠારા પીજીવીસીએલના
કર્મચારીઓ દ્વારા બંધ કર્યા બાદ જ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. 2865 ચોરસમીટરની જમીન જેની જંત્રી
મુજબ અંદાજિત બજાર કિંમત રૂા. 8,59,500 થાય
છે જે જમીન પરનું અતિક્રમણ દૂર કરાયું હતું તેવું જણાવાયું હતું.