મુંબઇ, તા.10 : ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના
સારા દેખાવ માટે બીસીસીઆઇએ સખત પગલાં લીધા છે. બીસીસીઆઇએ તેની નીતિ કાયમ રાખીને ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓને
પરિવાર અને પાર્ટનર સાથે રહેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આથી ભારતીય ખેલાડીઓ વિશ્વ
કપ દરમિયાન તેમની પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે રહી શકશે નહીં. ભારતીય ખેલાડીઓએ બીસીસીઆઇ
સમક્ષ પરિવારજનોને સાથે રાખવાની માગણી કરી હતી. જે બીસીસીઆઇએ આજે ઠુકરાવી દીધી છે. બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે વર્લ્ડ કપ દરમિયાન
ખેલાડીઓ અને મેનેજમેન્ટ સ્ટાફ તેમના પત્ની કે કુટુંબીઓ કે પાર્ટનર સાથે ટીમ હેટેલમાં
રહી શકશે નહીં. જો ખેલાડી ઇચ્છે તો પોતાના પરિવારની અલગ હોટેલમાં વ્યવસ્થા કરી શકે
છે. જો કે પરિવારજનો ટીમ હોટેલમાં રહી શકશે નહીં,
અને ટીમ બસમાં કે ફલાઇટમાં મુસાફરી કરી શકશે નહીં. રિપોર્ટ અનુસાર ફલાઇટની
મુસાફરી માટે બીસીસીઆઇની મંજૂરી લેવી પડશે. ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજના
ચારમાંથી ત્રણ મેચ ભારતીય ટીમ ઘરઆંગણે રમવાની છે. બીસીસીઆઇના નિયમ અનુસાર 4પ દિવસથી વધુની શ્રેણી કે ટૂર્નામેન્ટ માટે
પરિવારને સાથે રાખવાની 14 દિવસની છૂટ
મળે છે. જયારે આથી નાની શ્રેણીની મર્યાદા સાત દિવસ છે. બીસીસીઆઇએ આ નિયમ ગયા વર્ષના
પ્રારંભમાં લાગુ કર્યો છે. ભારતીય ટીમ હાલ
દિલ્હીમાં છે. જ્યાં ગુરુવારે નામીબિયા સામે રમશે. આ પછી શુક્રવારે બપોર બાદ કોલંબો
જવા રવાના થશે. જયાં રવિવારે પાકિસ્તાન સામે મહા મુકાબલો છે.