ગાંધીધામ, તા. 10 : માલ પરિવહનમાં સમગ્ર પશ્ચિમ
રેલવેમાં સાર્વધિક પરિવહન કરતા ગાંધીધામ એરિયામાં રેલવે દ્વારા ઔદ્યોગિક મીઠાંનું
ઝડપી અને સરળ પરિવહન થાય તે હેતુથી સ્ટેનલેશ સ્ટીલનાં કન્ટેનરમાં ગાંધીધામ ખાતે ઐતિહાસિક લોડિંગ કરાયું હતું. આ
નવતર પહેલથી કલાકોમાં થતું ઔદ્યોગિક મીઠાંનું
લોડિંગ-અનલોડિંગ ગણતરીની મિનિટોમાં જ થઈ શકશે. વિશ્વમાં ભારતમાં સૌપ્રથમ વખત ભારતીય
રેલવે દ્વારા આ કાર્યવાહી કરાઈ છે. ગાંધીધામના
નીલકંઠ ઝોન ખાતે આજે રેલવે દ્વારા સ્ટીલનાં કન્ટેનરમાં લોડિંગ
અન લોડિંગનું પરીક્ષણ કરાયું હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્નવે સોશિયલ મીડિયા એક્સ ઉપર આ
નવીન પહેલને બિરદાવી હતી. ડીઆરએમ વેદપ્રકાશે જણાવ્યું હતું કે, સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરમાં ઔદ્યોગિક મીઠાંનું
આ સફળ પરીક્ષણ ભારતીય રેલવેની નવીનતા આધારિત લોજિસ્ટિક્સ રણનીતિનું ઉત્તમ ઉદાહરણ છે.
આથી સંવેદનશીલ થોક માલનું સુરક્ષિત અને સ્વચ્છ પરિવહન શક્ય બનશે તેમજ ઉદ્યોગોને ઝડપી,
વિશ્વસનીય અને પર્યાવરણ અનુકૂળ ફ્રેટ સોલ્યુશન્સ મળશે. પશ્ચિમ રેલવે ફ્રેટ ઓન રેલને પ્રોત્સાહન આપવા માટે ભવિષ્યમાં આવી નવીન પહેલો માટે આગળ વધતી રહેશે તેવું કહી ગાંધીધામ અને હાજીપીર માટે આ પહેલ
ક્રાંતિકારી સાબિત થશે તેવું જણાવ્યું હતું. પરીક્ષણ દરમ્યાન 34 ટન ઔદ્યોગિક મીઠું 15 મિનિટમાં લોડ થયું હતું અને
માત્ર પાંચ મિનિટમાં અનલોડ થયું હતું. 20 ફૂટ લાંબા અને 8.5 ફૂટ ઊંચા અને પહોળાં કન્ટેનરમાં પરીક્ષણ કરાયું હતું. સ્ટેનલેશ કન્ટેનરના ઉપયોગથી સુરક્ષિત અને ઝડપી, ઓછા ટર્ન
એરાઉન્ડ સમયમાં વધુ સારી લોજિસ્ટિક કાર્યક્ષમતા મેળવી શકાય છે. બોક્સ વેગનની
સરખામણીમાં વેગનની મેન્યુઅલ સફાઈ કરવાની જરૂર પડતી નથી, તાડપત્રીની જરૂરિયાત સમાપ્ત થાય છે,
લાડિંગ અને અનલાડિંગનો સમય નોંધપાત્ર રીતે ઓછો થાય છે, માલમાં મિલાવટ અને બગાડ ન્યૂનત્તમ
રહે છે તેમજ વેગનોનો ટર્નઅરાઉન્ડ સમય વધુ સારો બને છે. આ વેળાએ એરિયા રેલવે મેનેજર
આશિષ ધાનિયા, નમક ઉદ્યોગકાર અને ડી.આર.યુ.સી.સી.ના સભ્ય રાકેશકુમાર જૈન તેમજ રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. - 48 વેગનની રેકમાં 3300 ટન મીઠાંનું પરિવહન : ગાંધીધામ, તા. 10 : આ કન્ટેનર સ્ટેનલેસ સ્ટીલથી બનાવાયેલું છે અને મીઠું તથા અન્ય
સંક્ષારક થોક માલનાં પરિવહન માટે યોગ્ય છે. તેની ઊંચી જંગ-પ્રતિકાર ક્ષમતા કન્ટેનરનું
લાંબું આયુષ્ય અને માલની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. લાડિંગની વ્યવસ્થા સાઇલો સિસ્ટમ
દ્વારા અથવા ઉપરથી પ્રોક્લેન મશીન દ્વારા કરી શકાય છે. દરેક કન્ટેનરમાં સાત ફૂટ, ચાર ફૂટ માપની બે ટોપ ઓપાનિંગ આપવામાં આવી છે,
જેના કારણે ઝડપી યાંત્રિક લાડિંગ શક્ય બને છે. દરેક કન્ટેનરનું ટેર વજન
ત્રણ ટન છે. એક વેગનમાં બે કન્ટેનર લોડ કરી
શકાય છે, જેથી પ્રતિ વેગન 68.4 ટન નેટ લોડ થઈ શકે છે. જે
ખુલ્લા વેગન સમકક્ષ છે. 48 વેગનની એક
સંપૂર્ણ બી.એલ.એસ.એસ. રેક દ્વારા અંદાજે 3300 ટન મીઠાંનું
પરિવહન કરી શકાય છે.