ધોળાવીરા, તા. 10 : ભારતીય સેનાની અર્ટીલરી રેજિમેન્ટના 200મા સ્થાપના દિનની ઉજવણી ભારતીય
નૌકાદળ અને સીમા સુરક્ષા દળના સંયુક્ત ઉપક્રમે આયોજિત રણભૂમિ દર્શન કાર રેલી ધોળાવીરા આવતાં તેનું સ્વાગત કરાયું હતું. દ્વારકાથી
તેલંગાણાના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્માએ પ્રસ્થાન કરાવ્યું હતું. ધોળાવીરા સરપંચ જીલુભાએ
ધ્વજ લહેરાવી સ્વાગત કર્યું હતું. રોડ ટુ હેવનથી સનસેટ પોઇન્ટ સુધી આ કાર રેલી ફરી
હતી. આ કાર રેલી ભારતની પશ્ચિમી સરહદ ગુજરાત રાજસ્થાનની 3400 કિમીની ઐતિહાસિક રણભૂમિની મુલાકાત
લઈ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી સીમા સુરક્ષા અને જન જાગરણનું કાર્ય કરશે. સરહદી ગામોનાં લોકો, વીર નારીઓ અને ભૂતપૂર્વ સૈનિકો સાથે સંવાદ કરી
રાષ્ટ્રીય કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉદ્દેશથી આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજસ્થાનની સરહદી મુલાકાત લઈ આ કાર રેલીનું સમાપન નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય
યુદ્ધ સ્મારક (નેશનલ વોર મેમોરિયલ) ખાતે થશે. ધોળાવીરા પહોંચેલી આ રણભૂમિ દર્શન કાર
રેલીનું ધોળાવીરા સરપંચ જીલુભા સોઢા, એવોક એમ.ડી. અલ્પેશ,
વ્હાઇટ રણ ટેન્ટસિટીના એમડી અતુલભાઈ, બીએસએફ બટાલિયન
84ના દેવેન્દ્રાસિંહ રાવત, કેપ્ટન ગૌતમ ક્રિષ્ના, કેપ્ટન દીપેશાસિંઘ વગેરેની ઉપસ્થિતિમાં સનસેટ પોઈન્ટ ખાતે ફ્લેગ ઈન અને હડપ્પન
મ્યુઝિયમ ખાતે ફ્લેગ ઓફ થયું હતું. રેલીમાં જોડાનાર સેનાના અફસરો અને સૈનિકોએ મ્યુઝિયમની
મુલાકાત લીધી હતી.