• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

નખત્રાણા પંથકમાં શિયાળુ સક્કરટેટીનો વિપુલ પાક

વિથોણ (તા. નાખત્રાણા) તા. 10 : નખત્રાણા પંથકમાં શિયાળુ સક્કરટેટીનું વિપુલ ઉત્પાદન  થયું છે. કચ્છ બહાર માંગ વધતાં ખેડૂતોની મહેનત લેખે લાગી હતી. ખાતર, પાણી, દવા અને યોગ્ય માવજત થાય તો શિયાળે પણ સક્કરટેટીનું વિપુલ ઉત્પાદન મેળવી શકાય તેવું પશ્ચિમ કચ્છના ખેડૂતોએ સાબિત કરી બતાવ્યું હતું. પંથકમાં પાછોતરા વરસાદે દાડમની ફસલને મોટું નુકસાન કર્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું, પરંતુ પ્રકૃતિની મહેરથી ટેટી એ આશા જગાડી છે. ક્યારેક ખેડૂતો પણ પ્રકૃતિથી વિપરિત વાવેતર કરતા હોય છે, પણ જો કુદરત મહેરબાન થાય, તો ખેડૂતોનાં પાસાં સવળાં પડે છે.  નખત્રાણા તાલુકાના સાંગનારા ગામના ખેડૂત કાંતિભાઈ અને જયંતીભાઈ લીંબાણીનો શિયાળુ સક્કરટેટીનો અખતરો સફળ રહ્યો છે અને ધારણા મુજબ ફળો ઊતરી રહ્યાં છે. અત્યારે ટેટીનો ભાવ પણ સારો મળી રહ્યો છે. 10 કિલોના બોક્સની કિંમત અત્યારે રૂા. 300થી 350 સુધી બોલાય છે રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરતમાં કચ્છની ટેટીની ડિમાન્ડ છે. ટેટીનો મધુર સ્વાદ ગ્રાહકોને આકર્ષણરૂપ છે. ખેડૂત સ્થાનિક વેપાર કરવા કરતાં હોલસેલ ભાવે બહાર મોકલવાનું પસંદ કરે છે. ટેટીનું ગ્રેડિંગ કરીને બોક્સ પેકિંગ કામ ખેડૂતો જાતે કરે છે. બોક્સમાં 400થી 500 ગ્રામથી વધુ વજન ધરાવતાં ફળો પેક કરાય છે. નબળા અથવા દાગીવાળા ફળો બોક્સમાં ભરતાં નથી. ધાવડામાં વાડી ધરાવતા પ્રફુલ્લભાઈ લીંબાણીના જણાવ્યા મુજબ સક્કરટેટીનું સારું ઉત્પાદન મેળવવા ખૂબ કાળજી રાખવી પડે છે. વાવેતર પછી જ્યારે છોડ જમીનમાંથી બહાર નીકળે ત્યારે પ્લાસ્ટિકનું આવરણ ઓઢાડવું પડે છે અને છોડની વૃદ્ધિ માટે નિયમિત ખાતર અને જરૂરિયાત મુજબ દવા આપવી પડે છે. દરેક પેદાશની જેમ ટેટી પણ માવજત માગે છે, અત્યારે દાડમ પેકિંગની સાથે ટેટી પેકિંગનો ધમધમાટ ચાલે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ શિયાળુ ટેટી વધુ નિરોગી અને મધુર સ્વાદવાળી ઊતરે છે. ઉનાળુ ટેટીમાં ગરમીનો પ્રકોપ ટેટીના વેલાને બાળી નાખે છે અને  ફળને માઠી અસર થાય છે, તેવું ખેડૂત કાંતિભાઈએ જણાવ્યું હતું. 

Panchang

dd