• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ખોટી અરજી કરનારા અરજદારને દંડ ફટકારતી ભુજની મુખ્ય અદાલત

ભુજ, તા.10 : અહીંની કોર્ટ મધ્યે ફોજદારી રિવિઝન અરજી 84/2025માં અરજદાર હસમુખ ગાભુભાઈ પટેલ, જેને ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ દ્વારા પણ ખોટી અરજીઓ કરવાની ટેવવાળા હોવાનું ઠરાવ્યું છે તેમજ ફરી તેવું ન કરે અને સબક મળે તે માટે રૂપિયા 25000ના ખર્ચનો હુકમ કરેલો, તેમ છતાં અરજદાર / મૂળ આરોપીએ આવી પ્રવૃતિઓ ચાલુ રાખી હતી. આથી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ મહિડા દિલીપ પી.ના મત મુજબ આવી વ્યક્તિને આવી પ્રવૃત્તિ કરતા અટકાવવા જરૂરી છે અન્યથા અદાલત દ્વારા જે સમયે યોગ્ય વ્યક્તિને ન્યાય પૂરો પાડવા વાપરવાનો હોય છે તે સમય આવી ખોટી ટેવવાળી વ્યક્તિની વ્યર્થ અરજીઓમાં વાપરવાનો થાય છે, જેના કારણે ખરેખર ન્યાય મેળવવા માગનારી વ્યક્તિ ન્યાયથી વંચિત રહી જાય છે. આથી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા તા. 10/02/2026ના ફોજદારી રિવિઝન અરજી 84/2025ના અરજદાર / મૂળ આરોપી હસમુખ ગાભુભાઈ પટેલની અરજી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 438 મુજબ રદ કરી નીચેની અદાલત દ્વારા કરવામાં આવેલો હુકમ કાયમ રાખવામાં આવ્યો છે તથા ખાસ ખર્ચ પેટે રૂપિયા 25000 જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ  ભુજ મધ્યે દિન 10માં જમા કરાવી અદાલતમાં પહોંચ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ ખાસ ખર્ચની રકમ ભરવામાં હસમુખભાઈ નિષ્ફળ નીવડે, તો આ ખાસ ખર્ચની રકમ રેવેન્યૂ રાહે વસૂલ મેળવવા કલેક્ટર દ્વારા અથવા તેઓ નક્કી કરે તેવા અધિકારી મારફતે કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. - પોક્સો કેસમાં આરોપી નિર્દોષ : આ કેસની હકીકત એવી છે કે, ગઈ તા. 18/02/2021ની ફરિયાદી દ્વારા પ્રિસ દેસરાજ ચૌધરી (રહે. નરા, તા.લખપત)વાળા વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં ફરિયાદી તેના મામાના ઘરે ફરવા ગયેલ ત્યારે આરોપીએ ફરિયાદી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા બાદ જો આ વાત તું કોઈને કરીશ તો તારી સમાજમાં બદનામી કરી નાખીશ અને તારા ભાઈઓને ગાડીથી ઉડાડીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી બાદમાં પણ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી ગુનો આચર્યો છે.  આ કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા ભોગ બનનાર તેમજ અન્ય 8 સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા બાદ  બંન્ને પક્ષકારોની દલીલો બાદ સ્પે. જજ દ્વારા આરોપીને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યો હતો. આ કામે આરોપી તરફે વકીલ એમ.એ.ખોજા, એસ.જી. માંજોઠી તથા કે.આઈ. સમા, વી.કે, સાધ, આઈ.એ. કુંભાર, ડી.સી. ઠક્કર હાજર રહ્યા હતા. 

Panchang

dd