• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

ગાંધીધામમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

ગાંધીધામ, તા. 6 : અહીંના કારગો વિસ્તારમાં યુવાનની હત્યા નિપજાવી લાશને ગટરના નાળામાં ફેંકી દેવાઈ હતી. આ પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના સમયમાં ત્રણ શખ્સની ધરપકડ કરી લીધી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ અહીંના કાર્ગો વિસ્તારમાં ગટરના નાળામાંથી અજાણ્યા ઇસમની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ લાશ પ્રિન્સ નરેશભાઇ સોલંકી ઉ.વ. 26 રહે,કારગો, બાપા સિતારામ નગર, ગાંધીધામ મુળ રહે, મણદ, જિ, પાટણની હોવાનું અને તેમને માથાના ભાગે બોથડ હથીયાર વડે ગંભીર ઇજા કરી તથા પેટના ભાગે તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરાયાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે જુદીજુદી ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન એક ઇસમને કારગો વિસ્તારમાંથી પકડી પાડયો હતો અને તેની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, તેની સાથે અન્ય બે ઇસમો પણ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ગાંધીધામ રેલ્વે સ્ટેશનથી ટ્રેન મારફતે સુરત રેલ્વે સ્ટેશન આસપાસના વિસ્તારમાં ગઈ હતી અને એસ.ઓ.જી. પશ્ચિમ રેલ્વે વડોદરા કેમ્પ સુરતને આરોપીઓના ફોટા તથા મોબાઇલ લોકેશન મોકલી આપતા તેઓની ટીમ દ્વારા બન્ને આરોપીઓને પકડી પાડયા હતા. આ બન્ને આરોપીઓનો કબ્જો મેળવ્યો હતો. આરોપી કાંતી ઉર્ફે રૂડો મંગાભાઈ મુછડીયા ઉ.વ.23, અજય ઉર્ફે કુટીયો રમેશભાઇ પરમાર ઉ.વ.19 તથા કિરણ નાથાભાઇ પરમાર ઉ.વ.20 રહે, ત્રણેય, બાપાસિતારામ નગર કાર્ગો ગાંધીધામની પુછપરછ કરતા તેઓ ત્રણેય જણાએ જણાવ્યું હતું કે, પોતે આ મરણજનારને ઓળખતા હોય અને તે કંપનીમાં કામ કરતો હોય જેથી તેનો પગાર થઈ ગયેલો હોવાનું માની બનાવની રાત્રીના સમયે રોડ ઉપરથી પસાર થતા હતા. તે દરમ્યાન મરણજનાર પાસે રૂપીયાની માંગણી કરી હતી. યુવાને રૂપીયા આપવાની ના પાડતા તેઓની બોલાચાલી થઇ હતી. ત્યારે મરણ જનારએ અમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇને યુવાનને માથાના ભાગે સિમેન્ટનો બ્લોક મારી તથા પેટમાં છરીના ઘા મારી હત્યા નિપજાવી નાખી હતી અને લાશ ગટરના નાળામાં ફેંકી દીધી હોવાની પોલીસ કેફીયત આપી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang