• રવિવાર, 22 નવેમ્બર, 2026

અંજારની બે વર્ષ જૂની ઘરફોડ ચોરીના કેસમાં મહિલા આરોપીને બે વર્ષની કેદ

ગાંધીધામ,  તા. 21 : અંજારની બે વર્ષ જૂની ઘરફોડ ચોરીના કેસમાં  અંજારની કોર્ટે મહિલા આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારતો હુકમ આપ્યો હતો. આ કેસની પૂર્વ વિગતો મુજબ ગત 31 ઓક્ટોબરના  દિવાળીના તહેવારોના દિવસોમાં ચોરીનો આ બનાવ બન્યો હતો. કબાટ ખોલતાં તેમાં દાગીના  જણાયા ન હતા. સોના અને ચાંદીના રૂા. નવ લાખની કિંમતના ઘરેણાની ચોરી થઈ હતી. ઘરે અવારનવાર  આવતા  અને ફરિયાદીના પરિચિત ઉષાબેન ઉર્ફે ઉર્મિલાબેન  બાબુભાઈ પારિયા સામે શંકા ગઈ હતી. કારણ કે, કબાટની ચાવીનો ખ્યાલ તેમને હતો. સોનાની 2 માળા, 1 ચેઈન, 10 વીંટી, 2 લોકેટ, 1 ટીકો, 1 મંગળસૂત્ર, 14 કાનની સર/ત્રોટલી, 1 રૂદ્રાક્ષ બ્રેસલેટ, 2 બુટ્ટી, ચાંદીના 5 જોડી ઝાંઝર, 1 જોડી કાંભીયું, 1 જોડી નેવર, 1 ચુડલો સહિતના દાગીના ચોરાયા હતા. આરોપીએ ચોરેલા દાગીનાને  અંજાર ખાતે આવેલ મુથુટ ફિનકોર્પ ગોલ્ડ લોન અને ધનવર્ષા ગોલ્ડ લોનમાં ગિરવે મૂકી લોન મેળવી હતી. મુથુટમાંથી  મંગળસૂત્ર અને ચેઈન પર રૂા. 4,89,250ની લોન અને ધનવર્ષામાંથી રૂા. 3,90,000નું સોનું ગિરવે મૂકી લોન લીધી હતી. બંને બેંકના મેનેજરોએ કોર્ટમાં આરોપીને ઓળખી બતાવી હતી અને લોનના કાગળો, આધારકાર્ડ-પાનકાર્ડની નકલો, ફોટા અને સહીવાળા દસ્તાવેજો રજૂ થયા હતા. પોલીસે ઘરેણા  કબજે કર્યા હતા અને ફરિયાદીએ પરત  મેળવી લીધા હતા. બંને પક્ષની  દલીલોને સાંભળીને અધિક જ્યુડિસિયલ મેજિસ્ટ્રેટ બી.આર. વાઘેલાએ આરોપી મહિલાને બે વર્ષની સાદી કેદની સજા અને રૂા. બે હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.  આ કેસમાં સરકાર તરફે અધિક સરકારી વકીલ એન.એસ. ઠક્કરે હાજર રહી દલીલો કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd