• રવિવાર, 19 જુલાઈ, 2026

ભચાઉનાં નવાગામમાં સગાઇ પહેલાં યુવતીએ ફાંસો ખાધો

ગાંધીધામ, તા. 18 : ભચાઉના નવાગામમાં બે દિવસ બાદ સગાઇ થાય તે પહેલાં મોનિકાબેન દિનેશ શામળિયા (ઉ.વ. 21)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. બીજી બાજુ અંજારના ચાંદ્રાણી નજીક ખાનગી કંપનીમાં વીજશોક લાગતાં સરબજીત પટારૂ સહાની (ઉ.વ. 20) નામના કામદારે જીવ ખોયો હતો તેમજ ગાંધીધામના ભારતનગરમાં પડી જતાં સોનમબેન સુનાર રતન (ઉ.વ. 33)નું મોત થયું હતું. ભચાઉના નવાગામમાં રહેનાર યુવતી મોનિકાની તા. 19-7ના સગાઇ યોજાવાની હતી, દરમ્યાન ગઇકાલે તા. 17-7ના તે બપોરે ઘરે એકલી હતી તેવામાં તેણે અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક અપમૃત્યુનો બનાવ અંજારના ચાંદ્રાણી નજીક આવેલી મનાક્ષિયા નામની કંપનીમાં બન્યો હતો. આ ખાનગી કંપનીમાં ગઇકાલે સરબજીત નામનો શ્રમિક યુવાન કામ કરી રહ્યો હતો. તેને વીજશોક લાગતાં સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં રાત્રે તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. ખાનગી કંપનીઓ, ફેક્ટરીઓમાં વધતા શ્રમિકોનાં મોતના બનાવો છતાં તંત્રની ઊંઘ ન ઊડતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગાંધીધામના ભારતનગર વોર્ડ-9-બી-એમાં ગઇકાલે બનાવ બન્યો હતો. સોનમ રતન નામની યુવતી પોતાના ઘરે હતી ત્યારે જમીન પર ચાલતી વેળાએ તેનો પગ લપસી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ યુવતીને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. 

Panchang

dd