ગાંધીધામ, તા. 18 : ભુજ ખાતે એસીબીનાં છટકાંમાં
ન આવીને નાસી ગયેલા વાયોરના ફોજદાર હાજર થયા બાદ બે દિવસના રિમાન્ડ મળ્યા હતા. બાદમાં
વધુ રિમાન્ડની માંગ ગ્રાહ્ય ન રહેતાં આક્ષેપિત આરોપીને જેલહવાલે કરાયો હતો. આ પ્રકરણની
તપાસ દરમ્યાન ફોજદારના ઘરમાંથી કાંઇ શંકાસ્પદ ન મળ્યું હોવાનું બહાર આવ્યું હતું. ભુજમાં
થોડા દિવસ અગાઉ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી 50,000ની માંગ બાદ 40,000 સ્વીકારાયા હતા અને 10,000 પરત આપી વાયોર પીએસઆઇ ઇન્દ્રવિજયસિંહ
ઉર્ફે ઇન્દુભા રાજેન્દ્રસિંહ ગોહિલને ગંધ આવી જતાં કાર લઇને નાસી ગયો હતો. આ ફોજદાર
સામે એસીબીએ ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ગત તા. 14/7ના ફોજદાર એસીબી સમક્ષ હાજર
થયા હતા. 15/7ના કોર્ટમાં રિમાન્ડની માંગ
સાથે રજૂ કરાતાં બે દિવસના રિમાન્ડ મળ્યા હતા. આ દરમ્યાન તપાસમાં કાંઇ શંકાસ્પદ એસીબીના
હાથમાં આવ્યું નહોતું. બાદમાં ફરીથી વધુ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તે
ગ્રાહ્ય ન રાખી ફોજદારને જેલહવાલે કરાયા હતા. આ દરમ્યાન ફરિયાદી પાસેથી પાઉડરવાળી 40,000ની નોટ લઇને નાસી ગયેલા પીએસઆઇએ
તેનો નાશ કર્યો હોવાની શક્યતાના પગલે વધુ તપાસ હાથ ધરાઇ હોવાનું ભુજ એસીબી પી.આઇ. જે.જે.
ચૌધરીએ જણાવ્યું હતું.