• રવિવાર, 19 જુલાઈ, 2026

મહિલાનાં મોત સાથે ફરી ભુજનો એરપોર્ટ રોડ રક્તરંજિત

ભુજ, તા. 18 : શહેરના એરપોર્ટ રોડ પર લાંબા સમયથી માર્ગ મકાન વિભાગ દ્વારા ચાલતાં કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમો મુજબ બનાવાયેલા સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા ન હોવાથી ગઈ મોડીરાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક સ્લીપ થઈ જવાથી એક 34 વર્ષીય મહિલા ફિરોઝા સમીર પીરાનીનાં મોત સાથે આ માર્ગ ફરી રક્તરંજિત બન્યો હતો, તો બાઈકચાલક તેના મિત્ર જય શૈલેશભાઇ જોષીને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીના ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે એકાદ વાગ્યે ભૂતનાથ મહાદેવ માર્ગ સામે બાઈક સ્લીપ થઈ જવાથી સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ફિરોઝાનું ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું હતું, જ્યારે બાઈકચાલક જયને માથામાં ગંભીર ઈજા થતાં જનરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે ભાજપના આગેવાન રિતેન ગોરે કચ્છમિત્રને આપેલી વિગતો મુજબ શહેરનાં એરપોર્ટ રસ્તે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જ્યારથી કામ શરૂ થયું છે, ત્યારથી અત્યાર સુધી આ માર્ગે અકસ્માત થકી પાંચ જણના મૃત્યુ થઈ ચુક્યાં છે અને અનેક પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમ છતાં તંત્ર નિષ્ઠુર થઈ કોઈ પગલાં ભરતું ન હોવાનો આક્ષેપ  કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉના જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જાહેરનામું બહાર પાડી ભારે વાહનોને એક જ સાઈડથી પસાર થવાનો આદેશ કર્યો હતો, તો બીજીતરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ શરૂ કરાયું ત્યારથી આજ સુધી પાંચ મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ ચાલતાં કામ બાબતે માર્ગ અને મકાન વિભાગે કોઈ પણ નીતિ નિયમોની અવગણના કરી, કોઈ પણ જાતના બેરિકેટેડ મૂક્યા વિના કે સ્પષ્ટપણે ડાયવર્ઝન બતાવ્યા વિના આડેધડ રોડનું કામ કરાઈ રહ્યું છે, તે અંગે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા સરકારમાં પણ અનેક વખત રજૂઆતો કરાઈ તેમ છતાં માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વાર મનમાની કરવામાં આવી રહી છે. તો ટ્રાફિક પોલીસ અને ખુદ એસ.પી.એ પણ આ અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે અને જે તે સમયે ટ્રાફિક નિયમન મુદ્દે કલેક્ટર સાથે બેઠક પણ યોજાઈ હતી તેમ છતાં માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરે કામમાં સુધારો કર્યો નથી. આ માર્ગ પર ગઈકાલે અચાનક નીતિનિયમ વિનાનું નવું  સ્પીડબ્રેકર બનાવાયું છે, જેના પર સફેદ પટ્ટા કર્યા ન હોવાથી મોડીરાત્રે આ સ્પીડબ્રેકર ન દેખાતાં બાઈક ઉછળી હતી અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને મહિલાનું મોત થયું હતું, સદ્ભાગ્યે છથી સાત વર્ષનાં બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. તંત્રે પોતાની ભૂલ પર ઢાંકપિછોડો કરવા રાતોરાત આ સ્પીડબ્રેકર પર સફેદ કલરના ડબાથી છાંટીને પટ્ટા ચીતર્યા હતાજે ટકવા શક્ય નથી, આ બાબતે માર્ગ અને મકાનના અધિકારી ચિરાગ ડુડિયાને બોલાવ્યા, ત્યારે કોન્ટ્રાક્ટરના માણસો ડબ્બાથી પટ્ટા બનાવતા હતા, ખરેખર તો આ પટ્ટા બનાવવાનું મશીન આવે છે તેનાથી બનાવવા જોઈએ. વળી, ડાયવર્ઝન પણ બાવળની ઝાડી નાખી આડસ ઊભી કરે છે. ખરેખર તો બેરિકેટેડ રાખવા જોઈએ, તો જ્યાં કામ ચાલુ હોય, ત્યાં માર્ગ મકાન વિભાગના સુપરવાઈઝરે મોનિટરિંગ કરવું જોઈએ, પણ ક્યાંય સુપરવાઈઝર દેખાતા નથી. હાલ થયેલાં કામની ગુણવત્તા નબળી હોવાથી ચોમાસાં દરમ્યાન આ માર્ગ બેસી જવાની પૂરેપૂરી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. આ અંગે અધિકારીને સ્થળ પર બોલાવી માર્ગ પર થતું કામ નિયમ મુજબ થાય છે કે કેમ, બનાવાયેલા સ્પીડબ્રેકર નિયમ પ્રમાણે બન્યા છે તે બાબતે લેખિતમાં જવાબ આપવા માંગ કરતાં તેમણે તપાસ કરી યોગ્ય કરવા ખાતરી આપી હતી અને સોમવારે કાર્યપાલક અને રહેવાસીઓ સાથે બેઠક યોજવાની ખાતરી આપી હતી. 

Panchang

dd