• રવિવાર, 05 જુલાઈ, 2026

મીઠીરોહરમાં માથાભારે શખ્સનાં દબાણો પર બુલડોઝર

ગાંધીધામ, તા. 4 : અહીંના મીઠીરોહરમાં માથાભારે શખ્સ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલાં બિનઅધિકૃત કોમર્શિયલ દબાણો સામે તંત્ર દ્વારા મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કરોડોની આ જમીન પરનું દબાણ હટાવાયું હતું તેમજ ચુડવામાં લાખોની જમીન પરના દબાણો હટાવી લેવામાં આવ્યાં હતાં. મીઠીરોહરમાં રહેનાર મુસ્તાક મામદ સોઢા સામે ગાંધીધામ બી-ડિવિઝન અને દુધઈ એમ ચારેક ગુના નોંધાયેલા છે. આ શખ્સે મીઠીરોહરમાં સરકારી જમીન ઉપર રામદેવ આઈ માતા નામની હોટેલ બનાવી તેમાં હોલ, રૂમ, પાર્કિંગ, સર્વિસ સ્ટેશન, ગેરેજ, 10 દુકાન વગેરે બનાવી બે એકર જેટલી જમીન ઉપર બિનઅધિકૃત રીતે બાંધકામ કર્યું હતું. પોલીસે વહીવટી તંત્રને જાણ કર્યા બાદ મામલતદારે આ દબાણો હટાવવા આદેશ કર્યો હતો અને વહીવટી તંત્ર પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આજે અહીં પહોંચ્યું હતું અને દબાણ હટાવી અંદાજિત 8094 ચો.મી. જમીન જેની જંગી કિં. રૂા. 1,69,97,400 જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. તેમજ ચુડવાની સીમમાં સાયક્લોન સેન્ટરની સામે અંદાજિત 10 ચો.મી. જેટલી સરકારી જમીન પર રમજુ મામદ ગંઢ દ્વારા બિનઅધિકૃત રીતે બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને પોલીસે ત્યાં જઈને રૂા. 1,96,500ની આ જમીન પરનું દબાણ પણ હટાવ્યું હતું. તંત્રે આ દબાણો હટાવીને સ્પષ્ટ કર્યું છે કે, સરકારી જમીનો પર થતાં કોઈ પણ પ્રકારના બિનઅધિકૃત દબાણોને સાંખી લેવામાં આવશે નહીં ને આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.   

Panchang

dd