ભુજ, તા. 3 : મુંદરા તાલુકાના નવીનાળમાં
આવેલી ખાનગી કંપનીના મેદાનમાંથી રૂા. 21,78,318ના વિવિધ સામાનની ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ખાવડાના આર.ઈ.
પાર્કની એક કંપનીમાંથી પણ રૂા. 2,20,000ના
મુદ્દામાલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. નવીનાળમાં અક્ષર ઈબેક ઈન્ફ્રા કંપનીની
બાઉન્ડરીની ખુલ્લા મેદાનમાંથી તા. 15/4થી તા. 24/5 દરમ્યાન થયેલી
ચોરી અંગે મુંદરા પોલીસ મથકે કંપનીના કર્મચારી જશવંતસિંહ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ
પાવરહાઉસના ટાવરમાંથી પાવર સપ્લાય કરવા માટે રાખેલા વિવિધ સાઈઝ અને પ્રકારના વાયરો
જેની કુલ કિં. રૂા. 21,78,318ની
કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયા છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ ખાવડા પોલીસ મથકે અર્બુદા સિક્યુરિટી એજન્સીના જનરલ મેનેજર દીપચંદ ઢોરવારે
નોંધાવેલી ફરિયાદ મુજબ આર.ઈ. પાર્કમાં અમરરાજા ઈન્ફ્રા પ્રા.લિ. કંપનીના પ્લોટ એ-ના
ટ્રાન્સફોર્મરમાંથી કોપરના બસબાર નંગ-19 જેની કિં.રૂા. 1,90,000 અને કોપર વાયર જેની કિં. રૂા. 30,000 અમે કુલ રૂા. 2,20,000ના મુદ્દામાલની ગત તા. 1/6ના ત્રણેક દિવસ પહેલાં કોઈ
પણ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ
હાથ ધરી છે.