• ગુરુવાર, 04 જૂન, 2026

કચ્છમાં 37 બાંગલાદેશીને ઝડપી લેવાયા

ગાંધીધામ/ભુજ, તા. 3 :  કચ્છના સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સામૂહિક અને સઘન ઝુંબેશ દરમ્યાન ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા અને અહીં વસવાટ કરતા 37 જેટલા બાંગલાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પૂર્વ કચ્છમાંથી 27 અને પશ્ચિમ કચ્છમાંથી 10 બાંગલાદેશી નાગરિક મળ્યા હતા. બે દિવસ પહેલાં રાજ્યના ડેપ્યૂટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને શોધવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાજ્યના આ ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત પૂર્વ  અને પશ્ચિમ કચ્છ પોલીસે પણ વિવિધ વિસ્તારોમાં એસ.ઓ.જી., એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસની જુદી-જુદી  ટીમો બનાવીને ઝુંબેશ હાથ ધરી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને શંકાસ્પદ લોકોના કોલ, સી.ડી.આર. વગેરેની પણ તપાસ હાથ ધરાઈ હતી, જેમાં પૂર્વ કચ્છમાં 35 જેટલા અને પશ્ચિમ કચ્છમાં 45 જેટલા શંકાસ્પદ બાંગલાદેશી જણાઈ આવતાં તમામને પોલીસે ઉપાડી લીધા હતા. આ તમામને પોલીસ મથકોએ લાવી ઝીણવટભરી તપાસ કરાતાં તે પૈકીના 37 જેટલા બાંગલાદેશી હોવાનું બહાર આવ્યું હતું. તેમની પાસે ભારતમાં રહેવા માટેના કોઈ જ માન્ય દસ્તાવેજો કે વિઝા ન હોવાનું પણ બહાર આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે, આ તમામ છેલ્લા લાંબા સમયથી સ્થાનિક લોકોની વચ્ચે ઓળખ છુપાવીને ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા અને જુદી-જુદી ફેક્ટરીઓ, કંપનીઓ કે નાના-મોટા વ્યવસાયો સાથે સંકળાયેલા હતા. તમામની હાલમાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. કેટલા સમયથી અહીં રહેતા હતા. સ્થાનિક સ્તરે કોણે આશ્રય આપ્યો હતો. તેમની પાસે કોઈ નકલી ભારતીય દસ્તાવેજ આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરે છે કે નહીં ? તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. જો કે, અમુક પાસે આવા દસ્તાવેજો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. દેશની આંતરિક સુરક્ષા સાથે જોડીને આ પ્રકરણને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યું છે. તેમની સામે કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવા સાથે તમામ વિદેશી નાગરિકોને પરત તેમના દેશમાં મોકલી દેવા માટે પણ સંબંધિત સરકારી વિભાગો અને એમ્બેસી સાથે સંપર્ક સાધી આગળની કડક કાર્યવાહી કરવા પોલીસે કમર કસી છે. આવી ઝુંબેશથી ગેરકાયદે વસવાટ કરતા તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ ઝુંબેશને જારી રાખવામાં આવશે તેવું પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા અને પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમારએ જણાવ્યું હતું. 

Panchang

dd