• શુક્રવાર, 22 મે, 2026

નારાયણ સરોવર નજીકથી શંકાસ્પદ ચાઈનીઝ ડ્રોન મળ્યું

નલિયા, તા. 21 : ગુરુવારે સવારે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના કોસ્ટલ પેટ્રાલિંગ યુનિટે લક્કી ત્રણ રસ્તા નજીકથી એક શંકાસ્પદ ડ્રોન કબજે કર્યું છે, પોલીસને બાતમી મળી હતી કે, તહેરા ગામ પાસે બાવળોની ઝાડીમાં એક અજાણ્યું ડ્રોન પડ્યું છે, જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર પહોંચી તપાસ કરતાં એક કાળા રંગનું ઇલેક્ટ્રોનિક ડ્રોન મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ડ્રોન 8ડ્ઢ8 ઇંચની સાઈઝનું હોવાનું અને તેમાં ચાર લીલા રંગના પંખા લાગેલા હોવાનું સામે આવ્યું છે. ડ્રોનની અંદર વિવિધ સર્કિટ અને વાયરો પણ જોવા મળ્યા છે. ડ્રોન પર `ઇમેક્સ કો સિરીઝ મેડ ઇન ચાઇના 2004'  તેવું લખેલું છે, જે દર્શાવે છે કે, તે ચીન બનાવટનું છે. વધુમાં, ડ્રોન સાથે એક વાદળી રંગની બેટરી પણ મળી આવી છે, જેના પર પીળા રંગનો બેલ્ટ છે અને તેના પર `સ્પીડી બી'  તેવું લખાણ જોવા મળે છે. જે સમયે ડ્રોન મળી આવ્યું ત્યારે તે બંધ હાલતમાં હતું. આ શંકાસ્પદ ડ્રોન તહેરા વાંઢ ગામના રોડની પૂર્વ દિશામાં બાવળોની ઝાડીમાંથી મળી આવ્યું હતું. નારાયણ સરોવર પોલીસે ડ્રોનને કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ બની છે અને આ ડ્રોન અહીં કેવી રીતે આવ્યું અને તેનો શું હેતુ હતો તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કચ્છના દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારમાંથી ડ્રોન મળતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. 

Panchang

dd